
સુરત, 15 સપ્ટેમ્બર : ભારત સરકારના રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-2022′ અને દ્વિતીય ‘અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ના છેલ્લા દિવસે બપોર બાદ બીજા સત્રમાં ‘ભારતીય સિનેમા અને હિન્દી ભાષા’ વિષય પર પદ્મશ્રી ફિલ્મ નિર્દેશક ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મહેશ માંજરેકર અને ભારતીય જનસંચાર સંસ્થાનના મહાનિદેશક પ્રો.સંજય દ્વિવેદીએ પોતાના રસપ્રદ વિચારો રજૂ કર્યા હતા. આ સત્રમાં વિશેષત: સુરત પો.કમિશનર અજયતોમરના પ્રવચન બાદ ઉપસ્થિત શ્રોતાઓએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી તેમના વિચારોને વધાવ્યા હતા.
પોલીસ કમિશનરઅજય તોમરે ભાષણ બાદ હાજર શ્રોતાઓએ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને તેમનું અભિવાદન કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે વિશ્વ સ્તરે હિન્દી ભાષાની પ્રસિદ્ધિમાં ભારતીય સિનેમાએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. સમાજની કોઈ પણ સમસ્યા અથવા કોઈ પણ સકારાત્મક વિચાર લોકો સુધી સૌથી ઝડપી પહોચાડવામાં પણ હિન્દી સિનેમા અગ્રેસર સાબિત થયું છે. વધુમાં તેમણે પ્રખ્યાત હિન્દી કવિઓની રચનાઓને શ્રોતાઓ સમક્ષ રજુ કરી હતી. સુરત શહેર આવા તમામ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં સક્ષમ છે એવું તેમણે ઉમેર્યું હતું.

હિન્દી અને મરાઠી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મનિર્દેશક મહેશ માંજરેકરે શ્રોતાઓ સાથે સંવાદ સાધતા હિન્દી ભાષાને સૌને જોડનારી અને સમન્વયની આગવી ભાષા ગણાવી હતી. તેમણે કહ્યું કે, ભારતીય સિનેમાના ઉત્થાનમાં લેખકોનો સિંહફાળો રહ્યો છે. હમેશા સમાજની સાંપ્રત સમસ્યાઓને ધ્યાને લઈ વધુને વધુ જનહિતલક્ષી ફિલ્મો બનાવવા તમામ નિર્દેશકોને ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં તેમણે પોતાના નિર્દેશન હેઠળ બનેલી મરાઠી ફિલ્મો ‘શિક્ષનાચા આઈચા ઘો’, અને ‘કાકસ્પર્શ’ વિષે ચર્ચા કરી બંને ફિલ્મોને હિન્દીમાં બનાવવા તૈયારી દર્શાવી હતી. મારી તમામ ફિલ્મો સમાજને સંદેશ આપનારી હોય છે એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત પદ્મશ્રી ફિલ્મ નિર્દેશક અને ‘ચાણક્ય’નું યાદગાર પાત્ર ભજવનાર ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, મારૂ સંપૂર્ણ શિક્ષણ ઉર્દુમાં થયું પરંતુ તેનું માધ્યમ હમેશા હિન્દી ભાષા રહી હતી. અન્ય ભાષાઓનું જોડાણ સાધવામાં હિન્દી ભાષા અવ્વલ રહી છે. ભારતીય સંસ્કૃતિની મહેંક પૂરી દુનિયામાં ફેલાવવામાં હિન્દીનું વિશેષ યોગદાન રહ્યું હોવું તેમણે જણાવ્યું હતું.કાર્યક્રમના અંતે અતિથિઓ દ્વારા ‘દૂન પ્રભા’ પુસ્તકના વિમોચન બાદ બે-દિવસીય સંમેલનને અખિલ ભારતીય રાજભાષા વિભાગના સચિવ મિનાક્ષી જોલીએ સંપન્ન જાહેર કર્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત