
સુરત, 15 સપ્ટેમ્બર : બોટાદ જિલ્લાના ગઢડા(સ્વા) તાલુકાના નાનકડા એવા મોટા ઉમરડા ગામથી સુરત સ્થાયી થયેલા અમિતકુમાર રામજીભાઈ ગામી પીએચ.ડી.થતા ડોક્ટરેટની પદવી મેળવી છે. અમિતકુમારે વી.સી.ટી. મહિલા આર્ટ્સ કૉલેજ-ભરૂચના પ્રિન્સીપાલ ડૉ.અર્જુનસિંહ ગઢવીના માર્ગદર્શન હેઠળ વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષયમાં ‘‘ચાર ગઝલકારો-એક અભ્યાસ’’ (રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, હરીશ મીનાશ્રુ અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’) વિષય ઉપર મહાશોધનિબંધ રજૂ કરતા વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી આ સંશોધન કાર્ય માટે તેમને પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે.
વિદ્યાર્થીઓ જેમને પ્રેમથી ‘કવિ નિજ’ તરીકે ઓળખે છે એવા યુવા સંશોધક, શિક્ષક અમિતકુમાર ગામી ગુજરાતી ભાષા અને સાહિત્ય પર મજબૂત પકડ ધરાવે છે. તેમની કાવ્ય રચનાઓ ઘણી પ્રસિદ્ધિ પામી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અનેક વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શનમાં ગુજરાતી વિષયમાં ઉચ્ચ ગુણાંક મેળવી ભરતી પરીક્ષાઓમાં સફળ થયા છે. તેમની આ સિદ્ધિ બદલ શિક્ષણકારો, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત