
સુરત,15 સપ્ટેમ્બર : પરંપરાગત કલાકારીગરી, હસ્તકલાના વારસાને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે સુરતના સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટરમાં ‘ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-2022’ને કેન્દ્રિય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, પંજાબ, આંધ્રપ્રદેશ સહિત 20 જેટલા રાજ્યોના 120થી વધુ કલાકારો 60થી વધુ એસેસરીઝ, ઘરના ફર્નિચર, સાધનો, ગિફ્ટ અને સ્ટેશનરીનું પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે. 15 થી 19સપ્ટે.દરમિયાન આયોજિત આ એક્ઝિબિશનમાં 70 સ્ટોલમાં વિવિધ હસ્ત અને શિલ્પકલાકારો સ્વનિર્મિત ચીજવસ્તુઓના વેચાણનું પ્લેટફોર્મ અપાયું છે.

આ એક્ઝિબીશનનો હેતુ વિવિધ રાજ્યો, ધર્મ, જ્ઞાતિ અને સંસ્કૃતિના હસ્તકલા કારીગરો કલાપ્રેમીઓ સુધી પોતાની ચીજોનું સીધું વેચાણ કરી શકે એવો છે, જે માટે કોઈ ભાડા વિના સ્ટોલ ફાળવણી કરવામાં આવી એ પ્લેટફોર્મ પૂરું પડવાનો છે. શહેરીજનો માટે આ એક્ઝિબીશન તા.19સપ્ટે. સુધી સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

આ પ્રસંગે આનંદી પટેલે જણાવ્યું હતું કે, આર્ટ અને ક્રાફ્ટ સાથે જોડાયેલા કારીગરો, લઘુ ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસો સરાહનીય છે. કલાકારો આપણી સંસ્કૃતિ, વિરાસત અને પરંપરાને જાળવી રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. તેમણે કલાકારોને વર્તમાન જરૂરિયાત સમજી અને સમય સાથે બદલાવ લાવી અવનવા ક્રાફ્ટ મેકિંગ માટે સુચન કર્યું હતું.તેમણે કલાકારોને વિવિધ સ્ટોર, શાળા-કોલેજો, આંગણવાડીઓ સાથે જોડાઈને પ્રોડક્ટનું પ્રમોશન કરવા જણાવી એક્ઝિબીશનના સાથે જોડાયેલા ક્રાફ્ટ રૂટ્સના સભ્યો, આયોજકો, કલાકારોને એક્ઝિબીશનની સફળતા માટે શુભેચ્છા આપી હતી.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, મિની ભારત બની ચૂકેલા સુરતમાં હસ્તકલા ચીજો માટે આગવું બજાર ઉપલબ્ધ છે. જે કલાકારીગરોની આર્થિક ઉન્નતિ માટે મદદરૂપ બનશે. સરકાર આવા કલાકારોને તાલીમ અને વેચાણ માટે પ્લેટફોર્મ પૂરૂ પાડવાથી લઇ તેનું માર્કેટિંગ અને વેચાણ વિદેશ સુધી થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. સામાન્ય રીતે ક્રાફ્ટ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયેલી હોય છે, જેથી વિવિધ એક્ઝિબીશનો, પ્રમોશન ઈવેન્ટના માધ્યમથી મહિલાઓ આત્મનિર્ભર બનશે અને આવકમાં વધારો થશે. રેલવે સ્ટેશનો પર આર્ટ અને ક્રાફ્ટની ચીજવસ્તુઓનું વેચાણ માટે સુવિધા આપવા પ્રયાસ કરાશે એમ જણાવી વેચાણમાં વૃદ્ધિ કરવા GeM પોર્ટલની જાણકારી આપી વહતી અને પોર્ટલ પર વધુમાં વધુ લોકો રજિસ્ટ્રેશન કરી તેમાં જોડાય તેવી અપીલ કરી હતી.

આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી, ધારાસભ્ય ઝંખના પટેલ, સંગીતા પાટીલ, વિવેક પટેલ, પ્રવિણ ઘોઘારી, વી.ડી.ઝાલાવાડીયા, મેયર હેમાલી બોઘાવાલા, જિલ્લા કલેકટર આયુષ ઓક, મ્યુ.કમિશનર બંછાનિધી પાની, શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ડે.મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, પૂર્વ મંત્રી નરોત્તમ પટેલ, ક્રાફ્ટ રૂટના ફાઉન્ડર અનારબેન, કોર્પોરેટરો, સામાજિક કાર્યકર્તાઓ, સ્ટોલધારકો અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત