‘ 36મી નેશનલ ગેમ્સ ’ અંતર્ગત સુરત 4 રમતોનું બનશે યજમાન : રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ

ખેલ જગત
Spread the love

સુરત, 15 સપ્ટેમ્બર : રાજય સરકાર અને કેન્દ્ર સકારના સંયુક્ત ઉપક્રમે તા.29 સપ્ટેમ્બરથી તા.12 ઓક્ટોબર 2022સુધી ચાલનાર ‘36મી નેશનલ ગેમ્સ’ની યજમાની ગુજરાતના સિરે છે. જેમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 7500 જેટલા રમતવીરો વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. આ નેશનલ ગેમ્સ ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગર સહિતના શહેરોમાં યોજાશે. જે પૈકી સુરત શહેરમાં 2 ઇન્ડોર ગેમ્સ, ટેબલ ટેનીસ અને બેડમિન્ટન તેમજ 2 આઉટડોર ગેમ્સ, વોલીબોલ અને હેન્ડબોલ એમ કુલ 4 રમતો જોવાનો લ્હાવો મળશે. જેમાં તા.20 થી 24 સપ્ટેમ્બર દરમિયાન ઈનડોર સ્ટેડિયમ ખાતે ટેબલટેનીસ તથા તા.1થી 6 ઓક્ટોબર સુધી ચાલનાર બેડમિન્ટનનું પણ ઘોડદોડ વિસ્તાર સ્થિત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કરવામાં આવ્યું છે. તા.30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી રમાનાર બીચ હેન્ડબોલ અને તા.6થી 9 ઓક્ટોબર સુધી ચાલનાર બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન ડુમસ બીચ ખાતે કરવામાં આવ્યું છે. સુરત આ રમતોનું યજમાન બનવાનું હોઈને રમતપ્રેમીઓમાં હાલ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
આ સિવાય કળાના માધ્યમથી લોકોને જોડવાના અને રમત ગમતને પ્રોત્સાહન આપવાના હેતુથી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરત શહેરમાં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે તા.18 થી 20 સપ્ટેમ્બર 2022દરમિયાન આઇકોનીક રોડ અને વેસુ સ્થિત જી.ડી.ગોઈન્કા સ્કુલ પાસેના વોક-વે પર યોજાશે. ત્રણેય દિવસ સવારે 6:30થી 9 સુધી ચાલનારા આ કાર્નિવલમાં પ્રથમ દિવસે ગામથી રમતોત્સવ, બીજા દિવસે સાઈકલીંગ અને સ્કેટિંગ રેલી વિથ માસ્કોટ અને આખરી દિવસે નેશનલ ગેમ્સના થીમ પર આધારિત પરેડનું આયોજન કરાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *