
સુરત, 16 સપ્ટેમ્બર : સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે 16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન ક્રેડાઇ-સુરત દ્વારા આયોજિત સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટીવલ-2022નો કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદ મોરડીયાના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિડીયો સંદેશ દ્વારા સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટીવલ-2022ની સફળ બનાવવા શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિડીયો સંદેશ દ્વારા સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટીવલ-2022ની સફળ બનાવવા માટે શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, પ્રોપર્ટી ફેસ્ટીવલ ઉધોગકારોને જોડવાનું કાર્ય કરે છે.કોરોના મહામારીથી નિકળ્યા બાદ સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટીવલ-2022 યોજવાનો યોગ્ય સમય છે. આ ત્રિદિવસીય ફેસ્ટીવલ રિયલ એસ્ટેટને નવી દિશા અને ગતિ આપવાનું કાર્ય કરશે.આ પ્રકારના ફેસ્ટીવલ આત્મનિર્ભરતાની ભાવના વિકસાવી યુવા ઉદ્યોગસાહસિકોને ઉધોગ માટે પ્રોત્સાહન પુરૂં પાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત અને સમગ્ર ભારતનું અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. ભારત દેશ તાજેતરમાં વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થામાં ધરાવતો દેશ બન્યો છે,ત્યારે એક વિકસિત ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. દેશભરમાં શહેરો સુવિદ્યાયુક્ત બંને એના માટે રિયલ એસ્ટેટની ભૂમિકા મહત્વની છે. જેથી રિયલ એસ્ટેટની સેવાઓ વધુ સારી બને.

આ પ્રસંગે રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો હંમેશા પ્રયત્ન કરતાં હોય છે, કોઇ પણ સ્થળોએ મુલાકાત લેતાં હોય તો ત્યાં હેન્ડલુમ જેવી વસ્તુઓને પ્રાધાન્ય આપતાં હોય છે. સુરતના સર્વાંગી વિકાસના મૂળમાં સુરતવાસીઓનો મહેનતકશ મિજાજ છે. સુરતવાસીઓ પોતાને પડતી મુશ્કેલીની રજુઆતો સમાયંતરે કરતાં હોય છે.પરંતુ તેમાં એક કરતાં વધુ મંત્રાલયો ભેગા મળી કાર્ય કરે તો જ કામ પુર્ણ થાય છે. જેથી પ્રજાની રજુઆતને ધ્યાને લઇ એકથી વધુ મંત્રાલય સાથે મળી કાર્ય પુર્ણ કરીએ છીએ.સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટીઝમાંનું એક છે. કોરોનાની વિકટ સ્થિતિમાં ઉભુ થઇ ફરી રિયલ એસ્ટેટ તેજીના ટકોરા વગાડી રહ્યું છે, જેમાં સરકાર તરફથી પુરેપુરો સહયોગ અપાઇ રહ્યો હોવાનો તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્યના વાહનવ્યવહાર, પ્રવાસન, નાગરિક ઉદ્દયન મંત્રીપુર્ણેશ મોદીએ જણાવ્યું કે, સુરત શહેર પ્રાચીન સમયથી જ ભારતદેશના વિકાસમાં એક અગ્રેસર શહેર રહ્યું છે. ભારતની અંદર મસાલા,તેજાના તેમજ હસ્ત કલાના ઉધોગ કાર્યરત હતા, જેનાથી પ્રભાવિત થઇ વિદેશી લોકો આપણી સાથે વેપારમાં જોડાયા હતા. સુરત પ્રાચીન સમયથી સ્માર્ટ છે. સ્માર્ટ સિટીના નિર્માણમાં રીયલ એસ્ટેટની મહત્વની ભૂમિકા ભજવી રહી છે. અનેક પ્રોજેક્ટના નિમાર્ણ થકી સુરત સ્માર્ટસીટી તરીકે અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરશે.

આ અવસરે શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, દેશમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત ડિજીટલ, ગુડ ગર્વનન્સ, સ્માર્ટ ડેટા, ફાઈનાન્સ જેવા અનેકક્ષેત્રે સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર કાર્ય કરી રહી છે. ત્યારે સુરત શહેરમાં ક્રેડાઇની ટીમ રીયલ એસ્ટેટને લગતી વિવિધ રજુઆતો લઇને આવે છે, જેનું ઝડપી નિરાકરણ સરકાર દ્વારા કરવામાં આવે રહ્યું છે. 0.6 એફએસઆઇ હોય તેને વધારી 1.8 કરવું સામાન્ય વાત નથી. પરંતુ સરકાર હંમેશા પ્રજાના હિતમાં નિર્ણય લઇ વિકાસની ગતિએ કાર્ય કરે છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલની સરકાર વિકાસના કાર્યને વેગ આપી રહી છે. તેમજ પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ દુંરદેશી યોજનાઓ સાથે શહેરો સ્વયંમ આત્મનિર્ભર બને તેવા વિઝન સાથે સરકાર આગળ વધી રહી છે,ત્યારે સુરત શહેર આગામી સમયમાં સ્વચ્છ અને સ્માર્ટ શહેર તરીકે દેશભરમાં અગ્રેસરનું સ્થાન લેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મેયર હેમાલી બોઘાવાલાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, મિની ભારત સુરતમાં સમૃદ્ધિની સાથોસાથ તેમનામાં સ્માર્ટનેસ પણ છે. સુરતમાં જે આવે છે એ સુરતના થઈ જાય છે એવો મિજાજ સુરતનો છે. મેયરએ સ્માર્ટ સિટીની તમામ લાયકાત સુરત શહેરમાં હોવાથી સુરત એ દેશનું સૌથી પ્રથમ સ્માર્ટ સિટી બની દેશના અન્ય રાજ્યોને પ્રેરણા આપે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

આ પ્રસંગે કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય વિવેક પટેલ,વી.ડી.ઝાલાવાડીયા, ઝંખના પટેલ, પ્રવિણ ઘોઘારી, અરવિંદપટેલ, શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, પોલિસ કમિશ્નર અજય તોમર સહિત ઉદ્યોગજગતના અગ્રણીઓ,બિઝનેસમેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત