
સુરત, 16 સપ્ટેમ્બર : દેશની આઝાદીથી લઈને અત્યાર સુધીમાં વિવિધ પ્રધાનમંત્રીઓએ દેશ પર શાસન કર્યું છે.પરંતુ, દેશમાં સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી તરીકે કોઈ હોય તો તે વર્તમાન પીએમ મોદી જ રહ્યા છે.ત્યારે, આવતીકાલે પીએમ મોદીના જન્મદિનની અનુલક્ષીને સમગ્ર દેશમાં ભાજપા દ્વારા સેવા દિવસના રૂપમાં તેમનો જન્મ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.સુરતમાં તેમના જન્મદિવસના ઉપલક્ષ્યમાં 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવનારી છે. જે સંદર્ભે સુરત શહેરના ઉધના સ્થિત ભાજપા કાર્યાલય પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે શુક્રવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી – યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષકુમાર સિંહ અને શહેર ભાજપા અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા એ શહેરમાં આયોજિત વિવિધ સેવાકીય કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

તારીખ 17 સપ્ટેમ્બરના રોજ સુરત શહેરના તમામ 30 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી-યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 21 સપ્ટેમ્બરના રોજ મહિલા મોરચા અને ડોક્ટર સેલ દ્વારા સમગ્ર શહેરમાં દરેક વોર્ડ દીઠ 200 મહિલા એટલે કે 6000 મહિલાઓનું હિમોગ્લોબીન ચેક અપનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.તારીખ 25 સપ્ટેમ્બર, આદરણીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય જયંતિ નિમિતે તમામ વોર્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યુવા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.જયારે તારીખ ૦૨ ઓક્ટોબર, ગાંધી જયંતિ નિમિતે સુરત શહેરમાં સાફ સફાઈ અને હોસ્પિટલમાં સેવાનો કાર્યક્રમ યુવા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.તદુપરાંત સફાઈ કાર્યક્રમ,સેવા વસ્તીમાં અન્ન વિતરણ જેવા કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે.
આ પત્રકાર પરિષદમાં શહેર મહામંત્રી કિશોર બિંદલ, દક્ષિણ ગુજરાત મીડિયા વિભાગના કન્વીનર રાજેશ દેસાઈ, યુવા મોરચાના શહેર અધ્યક્ષ ભાવિન ટોપીવાલા, કલ્પેશ મહેતા, પરેશ કાછડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત