માંડવી તાલુકાના સઠવાવ ગામે 1073 ગંગાસ્વરૂપા મહિલાઓનું સંમેલન અને મેડિકલ કેમ્પ યોજાયો

સામાજીક
Spread the love

સુરત,17 સપ્ટેમ્બર : ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસના ઉપલક્ષ્યમાં માંડવી તાલુકાના સઠવાવ ગામે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને 1073 ગંગા સ્વરૂપા મહિલાઓનું સંમેલન અને મેડિકલ કેમ્પ યોજાયો હતો.

સાંસદ પ્રભુ વસાવાની પ્રેરણાથી શ્રી તાપીવન ગ્રામવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ-સઠવાવ દ્વારા ગંગાસ્વરૂપા મહિલા સંમેલનમાં 1073 ગંગા સ્વરૂપા મહિલાઓને સાડી, રાશન સહિતની જીવનજરૂરી કીટનું વિતરણ કરાયું હતું. ઉપરાંત, મેડિકલ કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા વિનામૂલ્યે નિદાન સારવાર, દવા અને ચશ્મા વિતરણ કરાયા હતા.

આ પ્રસંગે પ્રેરક સંબોધન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, સુશાસન આપવા સાથે મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિરાધાર ગંગાસ્વરૂપ મહિલાઓને પતિના મૃત્યુ પછી જીવન જીવવા માટે આર્થિક આધાર મળે અને સન્માનજનક જીવન જીવી શકે એ માટે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. આ યોજના ગંગાસ્વરૂપા બહેનો માટે વરદાનરૂપ બની છે. યોજના હેઠળ મળતી રકમ દીકરા-દીકરીઓના શિક્ષણ તેમજ ઘર ખર્ચમાં સહાયરૂપ બની રહી છે. દેશના વડાપ્રધાન હંમેશા મહિલાઓના ઉત્થાન અને સશક્તિકરણના હિમાયતી રહ્યા છે, તેમના નેતૃત્વમાં અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બની છે, જેનો દેશની લાખો મહિલાઓ લાભ મેળવી રહી છે.

મંત્રીએ સાંસદ પ્રભુ વસાવાની પ્રેરણાથી સંચાલિત તાપીવન ગ્રામવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ-સઠવાવ અનેક ગરીબ, પીડિત, વંચિત મહિલાઓ, યુવાનો, આદિજાતિ નાગરિકોના જીવનમાં પ્રકાશ પાથરવાનું કાર્ય કરી રહ્યું છે એમ જણાવી ટ્રસ્ટ અને સાંસદની સેવાકીય કામગીરીને બિરદાવી હતી.આ વેળાએ સાંસદ અને પરિજનો દ્વારા વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે લઘુ રુદ્ર હવન કરી આહુતિ આપી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, સંગઠન ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ, માંડવી નગરપાલિકા પ્રમુખ રેખા વશી, તાલુકા પંચાયત પ્રમુખ હિના વસાવા, નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના પારૂલ મહાજન, અગ્રણી દિનેશ પટેલ, નટુ રબારી સહિત નગરજનો ઉપસ્થિત રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *