
સુરત, 17 સપ્ટેમ્બર : સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિ. અને ઈફ્કો-સુરતના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે પોષણમાહ અંતર્ગત પોષણ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના વિવિધ 14 ગામોની 104 મહિલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકસિંહ રાઠોડે બાયો-ફોર્ટિફાઈડ વેરાયટી વિષે સમજ આપી હતી. કેવિકેના વૈજ્ઞાનિક પ્રો.ગીતા ભીમાણીએ ન્યુટ્રિ-મિનરલ્સ અને તેના સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ વિશે જાણકારી આપી હતી. કેવિકેના વૈજ્ઞાનિક પ્રો. ભક્તિ પંચાલ દ્વારા ન્યુટ્રી ગાર્ડન વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઇફકોના અધિકારી અંકિત તિવારીએ ઇફકોની વિવિધ પ્રોડક્ટની વિગતો આપી હતી. દરેક લાભાર્થીઓને ઇફકો કંપની દ્વારા શાકભાજી કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ફાધર કિશોરભાઈ, સિસ્ટર અનિતા સહિત મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત