
સુરત, 17 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 72મી વર્ષગાંઠ નિમિતે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશના અધ્યક્ષસ્થાને નેહા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાવીર યુનિવર્સિટીના ઓડિટોરીયમાં ‘મેગા દિવ્યાંગ સાધનસહાય વિતરણ’ કાર્યકમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓએ ભાગ લઈ સરકારની યોજનાઓ થકી વિવિધ સાધનસહાયના લાભો મેળવ્યા હતા. આ અવસરે મંત્રી દર્શના જરદોશે દિવ્યાંગજનોને 50 ટ્રાયસિકલ, 50 વિલચેર તથા 40 વોકર અને 500 હિયરીંગ મશીન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વર્ગના નાગરિકોની સુખાકારીની હરહંમેશ ચિંતા કરી છે, શહેરથી લઈને છેવાડાના ગામડાંના લોકો સુધી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ખાસ કરીને વડાપ્રધાનએ દિવ્યાંગોની ભાવના-લાગણીને સમજીને તેમના માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, શરીરમાં કોઈ ઉણપના કારણે કે કુદરતી રીતે વિકલાંગતા આવે છે. આ ‘વિકલાંગ’ શબ્દના સ્થાને વડાપ્રધાનએ ‘દિવ્યાંગ’ નામનો સન્માનજનક શબ્દ આપ્યો છે. આપણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત ધરોહરને જીવંત રાખવાની છે, ત્યારે વિશેષત: દિવ્યાંગો દ્વારા નિર્મિત આર્ટ, ક્રાફ્ટ, કલ્ચર, હેન્ડલુમની વસ્તુઓની ખરીદી કરીને તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નો કરવા જોઈએ.

આ પ્રસંગે અગ્રણી કિશોર બિંદલ, નિરવ શાહ, સંજય જૈન, નેહા ફાઉન્ડેશનના હોદ્દેદારો, મહિલા મંડળો તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત