
સુરત, 17 સપ્ટેમ્બર : ગુજરાત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે ગુજરાત સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવવા શોધ( સ્કીમ ઓફ ડેવલોપીંગ હાઈ કવોલીટી રીસર્ચ) યોજના અંતર્ગત રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા પીએચડીના વિદ્યાર્થીઓને યોજના હેઠળ દર મહિને રૂા.15000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ બે વર્ષ સુધી આપવામાં આવે છે.
વર્તમાન વર્ષે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી, બાયો સાયન્સ, બાયો ટેકનોલોજી, માઈક્રોબાયોલોજી, એકવેન્ટીગ બાયોલોજી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, કોમર્સ, સંસ્કૃત સાહિત્ય, ગ્રામીણ અભ્યાસ, એજયુકેશન, સમાજશાસ્ત્ર, ઈકોનોમિકસ જેવા વિષયો પર 105 પીએચડીના વિદ્યાર્થીઓને શોધ યોજના હેઠળ શિષ્યવૃતિ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં 73 વિદ્યાર્થીનીઓ તથા 35 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ કેમેસ્ટ્રી માટે 27 થતા બાયોસાયન્સના 16 વિદ્યાર્થીઓની પસંદગી પામ્યા છે.રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા SHODH યોજના હેઠળ આ વર્ષે 930 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રતિ અભિમુખ કરવા આર્થિક સહાય પૂરી પાડવાનો લક્ષ્યાંક છે. જ્ઞાનની તમામ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિયમિત અને પૂર્ણ સમયના સંશોધન માટે પ્રેરણા પૂરી પાડવી. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સંશોધનની ક્ષમતા અને સીમા વધારીને ઉદ્યોગો અને સમાજોપયોગી સંશોધનો દ્વારા વૈશ્વિક સ્તરે ઓળખ ઊભી કરવાનો છે. સાંપ્રત જરૂરિયાતને પહોંચી વળવા અને અત્યાધુનિક આવશ્યકતાને અનુરૂપ સંશોધનને પ્રોત્સાહન આપીને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવતા અને નવા આયામોને સ્વીકારતા સંશોધનોને પણ પ્રોત્સાહન કરવાનો છે. રાજ્યમાં ઉચ્ચ માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને રાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે સ્કોલર વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો ઉદ્દેશ રહેલો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત