
સુરત, 17 સપ્ટેમ્બર : ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિના પાવન પર્વે શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના ઉપક્રમે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા-કામરેજનો દિક્ષાંત પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ શાખાઓમાં ટેકનિકલ શિક્ષણ મેળવી ઉત્તીર્ણ થયેલા 63 તાલીમાર્થીઓને આચાર્ય એમ.એમ.ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ અજીત આહિર સહિતના મહાનુભાવોના હસ્તે પદવી અને પારિતોષિક અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે આચાર્ય એમ.એમ.ચૌધરીએ તમામ તાલીમાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, ટેકનિકલ જ્ઞાન મેળવનાર ક્યારેય બેરોજગાર રહેતો નથી. તે પોતાના કૌશલ્યને આધારે વ્યક્તિત્વ વિકાસ કરી શકે છે. પોતાનું કામ ખૂબ જ ધગશથી કરવા અને પ્રતિભાને નિખારી વિવિધ ક્ષેત્રમાં આગળ વધવાની શીખ તેમણે આપી હતી.
તાલુકા પંચાયત પ્રમુખ અજીત આહિરે કહ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે, ત્યારે જીવનમાં સંઘર્ષ કરીને મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરવા અને પરિશ્રમથી આત્મનિર્ભર બનવા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સરપંચ કિંજલ શાહ, જે. એમ. દુધાત, સી.ડી.દોંગા, વિ.એસ.શિહોરા, જે.એમ.માંગુકિયા સહિત આઈ.ટી.આઈ. સ્ટાફગણ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત