સુરતના ટેબલ ટેનિસ સ્ટાર માનવ ઠક્કરને એક નાનકડા રૂમમાંથી શરૂ કરેલી ટેબલ ટેનિસની સફર યાદ આવી

ખેલ જગત
Spread the love

સુરત, 18 સપ્ટેમ્બર : વર્ષ 2005માં જ્યારે ગુજરાતના માનવ ઠક્કરે પ્રથમ વખત ટેબલ ટેનિસનું રેકેટ પકડ્યું ત્યારે તે માંડ 6 વર્ષનો હતો. અને ટેબલ જેટલો ઊંચો પણ નહોતો. તેમ છતાં, તેણે સુરતની સુફૈઝ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો, તે સમયે ભોંયતળિયે 15×30 ની રૂમમાં આ એકેડેમી હતી. અભ્યાસની સાથે માનવે ઝડપથી ટેબલ ટેનિસની રમતમાં નિપુણતા મેળવી.
માનવના પિતા ડો.વિકાસ ઠક્કર આઈ સ્પેશ્યાલિસ્ટ છે એટલે પિતાની ઈચ્છા માનવ મેડિકલ ફિલ્ડમાં આગળ વધે એવી હતી, માનવ સ્વીકારે છે કે મેડિકલના બદલે રમતગમતની કારકિર્દી પસંદ કરવી એ એક બોલ્ડ અને પરિવારને ચોંકાવનારો નિર્ણય હતો. માનવ કહે છે કે, “હું જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે હું 11 વર્ષનો હતો ત્યારે હું મારા ઘર ને ખુબ જ યાદ કરતો હતો અને સાથે ઘરના ભોજનને પણ. પરંતુ જ્યારે મેં યોગ્ય પ્રદર્શન કરવાનું શરૂ કર્યું ત્યારે ઘણા લોકોની માનસિકતા બદલાઈ. આજે, મારા પરિવારના તમામ સભ્યો ખુશ છે કે મેં મારા સપનાની કારકિર્દી પસંદ કરી.

વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થનાર ગુજરાતના એકમાત્ર પ્લેયર માનવને તેના ‘આલ્મા મેટર’ની ગમતી યાદો હ્રદયમાં અંકિત છે, અને તે જ્યારે પણ ઘરે હોય ત્યારે તે જ 15×30 ફૂટના બેઝમેન્ટ રૂમમાં તેના કોચ વાહેદ માલુભાઈવાલા સાથે તાલીમ લેવાનું શરૂ રાખે છે. નાનકડા રૂમમાં જ્યાં હું પ્રથમ વખત રમવાનું શીખ્યો હતો તેની સાથે ઘણી બધી લાગણી જોડાયેલી છે. મારા પ્રથમ કોચ વાહેદ સર સાથે મારૂ ખૂબ જ સારું બોન્ડિંગ છે અને મને તેમની સાથે પ્રેક્ટિસ કરવાનું વધુ પસંદ છે, તેઓ હજી પણ મારી રમતને સુધારવાની ટીપ્સ આપવાનું ચૂકતા નથી.” એમ માનવ જણાવે છે.
માલુભાઈ વાલા પણ તેમના વિદ્યાર્થીની પ્રગતિ જોઈને ખુશ છે અને જણાવે છે કે, “માનવની રમત જોઇને ઘણો આનંદ થાય છે. તે યોગ્ય તાલીમથી ખૂબ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. મને અને મારા પરિવારને એ હકીકત પર ગર્વ છે કે માનવ અવારનવાર અમારી એકેડમીના સાંકડા રૂમમાં આવતો રહે છે, જ્યાં તેણે ટેબલ ટેનિસની શરૂઆત કરી હતી.માનવ અને તેના તમામ સમર્થકોને આશા છે કે, હવે વતનમાં રમાનાર 36મી નેશનલ ગેમ્સમાં કૈંક એક્સ્ટ્રા આપશે અને વધુ ખાસ રમત રમી નવા કીર્તિમાન સ્થાપિત કરશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *