
સુરત, 19 સપ્ટેમ્બર : રાજ્યના 6 શહેરોમાં યોજાઈ રહેલી ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં 20થી 24સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા 1થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાનાર છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, ત્યારે આ સંદર્ભે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
ટેબલ ટેનિસ ઈવેન્ટ્સની પૂર્વસંધ્યાએ મીડિયાને સંબોધતા મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ મીડિયા પ્રતિનિધિઓને વિગતો આપતા જણાવ્યું કે, આવતીકાલ 20મીથી ટેબલ ટેનિસના આગાઝ સાથે સુરત નેશનલ ગેમ્સની સ્પોર્ટ્સ એક્શન શરૂ થશે. સ્પર્ધાનું શેડ્યૂલ 20-24 સપ્ટેમ્બર દરમિયાન પીડીડીયુ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત શરૂ થશે, ત્યારબાદ આ જ સ્થળે 1 ઓક્ટોબરથી બેડમિન્ટન થશે જયારે ડુમસ બીચ ખાતે બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવ્યું છે. 115 ખેલાડીઓ શહેરમાં પહોંચ્યા છે, તેમના માટે શ્રેષ્ઠ આવાસીય સુવિધાઓ સાથે રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર વેલકમ ડેસ્ક અને પિકઅપ અને ડ્રોપ માટેની પરિવહન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
બંછાનિધિ પાનીએ વધુમાં કહ્યું કે, સુરતવાસીઓ રાજ્યના 6 શહેરોમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સના ભાગરૂપે બે અલગ-અલગ સ્થળોએ 15થી વધુ ગોલ્ડ મેડલ માટે ચાર સ્પોર્ટ્સ ડિસિપ્લિન્સના રમતવીરોની વિશ્વસ્તરની સાક્ષી બનશે. કુલ 85 ટેબલ ટેનિસ ખેલાડીઓ જેમાં 43 મહિલા અને 42 પુરૂષ ખેલાડીઓ સાત ગોલ્ડ મેડલ માટે 5 દિવસ સુધી પોતાની આગવી રમત રમશે અને ગોલ્ડ જીતવા માટે સ્પર્ધા કરશે.
નેશનલ ગેમ્સ વિશે જાગૃતિ ફેલાવવાના અભિયાનના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન વેસુ કેનાલ પાથવે ખાતે સ્પોર્ટ્સ કાર્નિવલનું સફળ આયોજન કર્યું હતું. જેમાં યુવાનો, બાળકો, મહિલાઓને પરંપરાગત ભારતીય રમતો, સાયકલિંગ, રોલર સ્કેટિંગ અને અન્ય ગામઠી રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એફઆર સ્નેહિત સુરવાઝુલા, શ્રીજા અકુલા અને પ્રાપ્તિ સેન જેવા આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્ટાર પણ કાર્નિવલમાં હાજર રહ્યા હતા અને સુરતવાસીઓના ઉત્સાહમાં સહભાગી બન્યા હતા.મીડિયા સાથે ટેબલ ટેનિસ ખેલાડીઓ અહિકા મુખરજી, હરમિત દેસાઈ, દિયા ચિતલે અને સુતીર્થા મુખરજીએ મીડિયા સાથે સંવાદ કરી પોતાના પ્રતિભાવ આપ્યા હતા.
સુરત શહેરના ખેલાડી એવા હરમિત દેસાઈએ જણાવ્યું હતું કે, ઘર આંગણે હોમટાઉનમાં ખેલી રહ્યો છું ત્યારે ટેબલટેનિસ રમવાની વધુ મજા આવશે. ગુજરાત સરકારે ત્રણ મહિના જેવા ટુંકા સમયગાળામાં આયોજન કર્યું છે જે બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી.
આ વેળાએ નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમના જોઈન્ટ સી..ઇ.ઓ. રાકેશ યાદવ સહિત મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત