
સુરત : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરણાથી સુરત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ-સુરત અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 72મી વર્ષગાંઠ નિમિત્તે સુરત સહિત જિલ્લાના તાલુકા, નગરપાલિકા કક્ષાએ વિવિધ થીમ પર રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શહેરમાં 22 સ્થળો ઉપર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ સહિત યુવક-યુવતીઓ રંગોળી સ્પર્ધામાં સહભાગી બન્યા હતા.

સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલ દવે અને સુરત મહાનગરના પ્રભારી મુકેશ રાઠવા, મનપાના કોર્ડિનેટર પ્રો. વિજયરાદડિયા અને રાહુલ તિવારીના માર્ગદર્શન અને સહયોગ હેઠળ સુરતમાં 30 સ્થળો પર રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આઈએનએસ વિક્રાંત, વંદે ભારત ટ્રેન, રામ મંદિર,370ની કલમ, સીએએ, સ્વચ્છતા અભિયાન, ઉજ્જવલા યોજના, મોદી વર્લ્ડ લીડર, કોરોના વેક્સિન, સર્જીકલ સ્ટ્રાઈક જેવી વિવિધ થીમ પર આબેહુબ અને આકર્ષક રંગોળીઓ દોરવામાં આવી હતી. શાળા-કોલેજ અને વિવિધ સોસાયટીના લોકોએ સ્પર્ધામાં જોડાઈને વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.

ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયામાં રાજ્યના અલગ અલગ શહેરો-જિલ્લાઓમાં સિનિયર સિટીઝન્સ માટે સેવાકીય કેમ્પો, રક્તદાન શિબિરો, બાળકો અને મહિલાઓ માટે હેલ્થ ચેકઅપ, મેડિકલ કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિઓથી જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિશેષ આકર્ષણરૂપે ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ વોર્ડ નં.21 અને 22 દ્વારા સુરતના ડુમ્મસ દરિયાકિનારે મોટી રંગોળી બનાવાઈ હતી. સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓની રંગોળીઓ થકી લોકો સુધી પહોંચાડવા માટે લોકો એનો સીધો લાભ લે તે માટે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત