સુરત : તેલંગાણાની પેડલર અને બર્મિંગહામ કોમનવેલ્થમાં ગોલ્ડ મેળવનાર અકુલા શ્રીજા ઉપર સૌની નજર

ખેલ જગત
Spread the love

સુરત : ૩૬મી નેશનલ ગેમ્સના યજમાન ગુજરાતમાં નેશનલ ગેમ્સનો ઉત્સાહ ચરમસીમાએ છે, ત્યારે સુરતમાં 20મી સપ્ટે.થી ટેબલ ટેનિસ સ્પર્ધાથી ભવ્ય નેશનલ ગેમ્સનું બ્યુગલ વાગી ચૂક્યું છે. જેમાં સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સના મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેળવનાર, વર્લ્ડ રેન્કિંગમાં 73મો ક્રમ મેળવનાર અકુલા શ્રીજાના પ્રદર્શન પર સૌની નજર છે. આ વર્ષે નેશનલ ગેમ્સમાં પર્દાપણ કરનાર 24વર્ષીય પેડલર આવતા વર્ષે એશિયન ગેમ્સ પહેલા ટોપ 50માં સ્થાન મેળવવાના ધ્યેય સાથે ઉતરી છે.
મૂળ હૈદરાબાદની સ્ટાર પેડલર અકુલા શ્રીજા દેશના ભવ્ય ખેલ સંગ્રામમાં પોતાની દાવેદારી સાબિત કરીને મજબૂત પ્રભાવ પાડવા આતુર છે. સ્પર્ધા અગાઉ શ્રીજાએ જણાવ્યું કે, ગુજરાતની નેશનલ ગેમ્સ એ મારી કારકિર્દીની પ્રથમ નેશનલ ગેમ્સ છે. સુરતમાં રમાઈ રહેલી ટેબલ ટેનિસ સ્પર્ધા મારૂ આજીવન સંભારણું બની રહેશે. અહીં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિભાવાન ખેલાડીઓ સાથે હરિફાઈ કરવાનો મોકો મળશે અને મને આગામી સમયની ‘વિશ્વ ચેમ્પિયનશિપ’ની તૈયારી કરવાની સુવર્ણ તક મળશે જેને લઈ હું ખુબ ઉત્સાહી છું.’આ સ્પર્ધામાં જીતવાના કોઈ રેન્કિંગ પોઈન્ટ નથી, પરંતુ આ એક પ્રતિષ્ઠિત ઈવેન્ટ છે અને મારા રાજ્ય માટે રમવું એ ગર્વની વાત છે એમ પણ તેણે ઉમેર્યું હતું.

અકુલાએ વધુમાં કહ્યું કે, ‘સુરત એરપોર્ટ પર તેમજ કાર્યક્રમ સ્થળે થયેલું અમારૂં ઉષ્માભર્યું વિશ્વસ્તરીય આયોજન અમને એક ખેલાડી તરીકે સ્પર્ધાત્મક વાતાવરણ પૂરૂ પાડે છે. અહીનું ખાનપાન અને સુરતીઓનો પ્રતિસાદ જોઇને ખૂબ આનંદિત છું. મેં ગત રવિવારની સાંજે વેસુ કેનાલ પાથવે પર સ્પોર્ટ્સ કાર્નિવલનો આનંદ માણ્યો હતો અને આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો, જેનો અનુભવ ખરેખર આનંદદાયક રહ્યો.’
શ્રીજાએ પોતાના પ્રદર્શન સંદર્ભે જણાવતા કહ્યું કે, ‘ભારતમાં મણિકા બત્રા જેવા પ્રભાવશાળી ખેલાડીઓ ભારતમાં ટેબલ ટેનિસના સ્તરને વધુ ગરિમા બક્ષી રહ્યા છે. મેં કેડેટ, સબ-જુનિયર, જુનિયર અને યુથ ગેમ્સમાં ખિતાબ જીત્યો નથી, પરંતુ સિનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં મેં પ્રથમ મહિલા સિંગલ્સ ખિતાબ જીત્યો અને ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સના મિક્સ ડબલ્સમાં દેશને ગોલ્ડ જીતવા જેવી અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી, જે મારા આત્મવિશ્વાસમાં વધારો કરવામાં ઉપયોગી બન્યા છે, હું નેશનલ ગેમ્સ સહિત આગામી સમયમાં યોજાનાર અન્ય ગેમ્સમાં સાતત્યપૂર્ણ પ્રદર્શનને જાળવી રાખવા માંગુ છું.’
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સફળતાની વાત કરતા શ્રીજાએ કહ્યું કે, દેશના વરિષ્ઠ ટીટી ખેલાડીઓ પૈકી એક શરથ કમલ અન્ના સાથે રમવું એ દરેક યુવા ખેલાડીઓનું સપનું હોય છે. નેશનલ ચેમ્પિયનશીપમાં સારા દેખાવના ફળસ્વરૂપે શરથ અન્નાએ મને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે મારા કોચને સૂચન કર્યું હતું, અને ત્યારબાદ કોમનવેલ્થમાં શરથ અન્ના સાથે મળી ગોલ્ડ જીતવો એ મારા જીવનની યાદગાર ક્ષણ સાબિત થઇ છે.
શરથ કમલ અન્ના ગેમને સમજી ઉલટફેર કરવામાં માહિર છે. અન્ના મારા માટે પ્રેરણાસ્ત્રોત છે, તેથી ભવિષ્યમાં તેમને અનુસરી અને દેશ માટે પદક જીતવા મારા પ્રમુખ લક્ષ્યોમાંનું એક છે એમ શ્રીજા જણાવે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *