
સુરત, 27 સપ્ટેમ્બર : રાજ્યની આર્થિક રાજધાની મનાતા સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે મંગળવારે સુરત શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
કોંગ્રેસે આવેદનમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં હત્યા, અપહરણ, બળાત્કાર, લૂંટ,ચોરી જેવા બનાવો સતત વધી રહ્યા છે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં જ આ પ્રકારની ઘટનામાં થઇ રહેલો ઉછાળો ચિંતાજનક છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સદંતરપણે ભાગી ગઈ છે.પોલીસ તંત્ર અને અને પદાધિકારીઓ સરકારની વાહવાહી અને રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત છે.ત્યારે,સુરતમાં પ્રજા હાલની કાયદાકીય પરિસ્થિતિથી થાકી ચુકી છે.સુરત શહેરના પુણા વિસ્તારમાં રહેતો કેયુર ભાલાળા ગત 24મી ઓગસ્ટ-2022ના રોજ ગાંધીનગર ખાતે તેની છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ લેવા ગયા બાદ રહસ્યમય સંજોગોમાં ગમ થયો હતો.ગત 14મી સપ્ટેમ્બરના રોજ તેનું હાડપિંજર મળ્યું હતું.આ ઘટનાના આટલા દિવસો બાદ પણ પોલીસ હજુ સુધી ગુનેગારને પકડી શકી નથી. સુરતમાં ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે, ગૃહમંત્રીએ સ્વેચ્છાએ રાજીનામુ આપવું જોઈએ.

આવેદન પત્ર આપતા સમયે કોંગ્રેસના શહેર પ્રમુખ હસમુખ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રો પોકાર્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત