
સુરત, 28 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત શહેર-જિલ્લાને આવતીકાલ તા.29મી સપ્ટે.એ કરોડોના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવાના છે. વડાપ્રધાન તા.29 અને 30મીએ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, ત્યારે તેઓ સુરતની મુલાકાત લઈ કુલ રૂ.3472.54 કરોડના વિવિધ 59 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.આ વિવિધ વિકાસકાર્યોમાં પાણી પુરવઠાના રૂ.672કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ (DREAM) સિટીના કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રિક વેહિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

ગોડાદરા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધી વડાપ્રધાનનો મેગા રોડ શો યોજાશે

ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનમાં તૈયાર કરાયેલા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના 2.70 કિલોમીટરના રૂટ પર વડાપ્રધાનનો મેગા રોડ શો યોજાશે. જેમાં સુરતવાસીઓ તેમનું ઉમળકાભેર સ્વાગત અભિવાદન કરશે. સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ-સમાજબંધુઓ અને નાગરિકો પુષ્પવર્ષાથી વડાપ્રધાનને વધાવશે.
ડ્રીમ (DREAM) સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ ફેઝ-1ના કાર્યોનું લોકાર્પણ

સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ (DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના રૂ103.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-1 રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે.આ સાથે જ, રૂ.9.53 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ, રૂ.31.58 કરોડની ડ્રીમ સિટીના 6 માળની ગ્રીન ઓફિસ બિલ્ડીંગ અને રૂ.10 કરોડના ખર્ચે ડ્રીમ સિટીના ગાર્ડન ડેવલપમેન્ટ હેઠળ એમ્ફી થિએટર, સ્ટોલ્સ અને વોક-વે એરિયાના કાર્યનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ફેઝ-2 ના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, વડાપ્રધાન ડ્રીમ સિટીના કુલ રૂ.369.60 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

રૂ.139 કરોડના ખર્ચે બનશે નવો બાયોડાયવર્સિટી પાર્કનું ખાતમુહુર્ત

વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના ઉદ્દેશથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધીના ભાગમાં કાંકરા ખાડી પાસે આશરે 87.50 હેક્ટર ખુલ્લી જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. રૂ.139 કરોડના ખર્ચે તૈયાર થનારા આ બાયોડાયવર્સિટી પાર્કનું ખાતમુહુર્ત વડાપ્રધાન કરશે, જેમાં 13 કિમી લાંબી વોકિંગ ટ્રેઈલ્સ, વોકિંગ ટ્રેઈલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિત 85 જાતની વિવિધ વનસ્પિતઓ તેમજ 6 લાખ જેટલાં વિવિધ વૃક્ષો અને છોડવાંઓ વગેરે જેવી અત્યાધુનિક એમેનિટીઝ ઉભી કરાશે.

વડાપ્રધાનના હસ્તે સુરત જિલ્લામાં રૂા.324.66 કરોડના ખર્ચની ચાર જેટલી પાણી પુરવઠા યોજનાઓના અપગ્રેડેશનના કાર્યનું ખાતમુહુર્ત સુરત જિલ્લામાં બે તબક્કામાં રૂા.324.66 કરોડના ખર્ચના ચાર જેટલી મોટી પાણી પૂરવઠા યોજનાઓના સુધારણાના કામોનું ખાતમુહુર્ત પણ કરશે. ચારેય યોજનાઓના સુધારણા હેઠળના કામો થકી હાલની 5.33 લાખની વસ્તીની સામે ભવિષ્યની 9 લાખની વસ્તીને ધ્યાને લેતા જિલ્લાના માંડવી, માંગરોળ અને ઉમરપાડા 183 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે.
નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે રૂ.123.47 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ સાકાર થશે

સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે રૂ.63 કરોડના ખર્ચે બોયઝ હોસ્ટેલ અને રૂ.60.47 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગર્લ્સ હોસ્ટેલના કાર્યનું પણ વડાપ્રધાનશ્રી ખાતમુહુર્ત કરશે. કુલ 123.47 કરોડના ખર્ચે 300 રૂમોની (G 11) માળની 600 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની U.G બોયઝ હોસ્ટેલ અને 300 રૂમોની (G 11) માળની 600 વિદ્યાર્થિનીઓ U.G ગર્લ્સ હોસ્ટેલમાં નિવાસ કરી શકશે. આ બંને હોસ્ટેલ જીમ, કાફેટેરિયા, ડાઈનિંગ હોલ, બાઈક અને ફોર-વ્હિલર પાર્કિંગ, ગાર્ડન સહિતની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.

સિટીલાઈટ ખાતે રૂ.52 લાખના ખર્ચે વિજ્ઞાન, કળા અને નવીનીકરણને ઉજાગર કરતા ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્દઘાટન
સુરત મહાનગરપાલિકાના નેતૃત્વ હેઠળ અને ગુજરાત સીએસઆર ઑથોરિટી (GCSRA)ના સંયુક્ત ઉપક્રમે તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ના CSR સમર્થનથી સુરતના સિટીલાઈટ રોડ સ્થિત સાયન્સ સેન્ટર સંકુલ ખાતે રૂ.૫૨ લાખના ખર્ચે ‘ખોજ- વિજ્ઞાન કળા નવીનીકરણ મ્યુઝિયમ’ વિકસાવવામાં આવ્યું છે. વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર, સંશોધન ક્ષેત્રના નવતર આયામો અંગે જિજ્ઞાસુઓને અહીં જ્ઞાન મળી રહેશે.
રૂ.108 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ
આગ, રેલ, વાવાઝુડું, ધરતીકંપ વિગેરે જેવી કુદરતી આફતો દરમિયાન ઈમરજન્સી સેવાઓને મોનિટર કરી પરિસ્થિતિને પહોચી વળવા અને તંત્ર સાથે સંકલન કરવા માટે, વિવિધ સેવાઓનું મોનિટરીંગ સેન્ટ્રલાઈઝડ સેન્ટરથી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રેડલાઈનર સર્કલ, ઉધના મગદલ્લા રોડ ખાતે ‘સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર’ બનાવવામાં આવ્યું છે. જેમાં ફાયર એન્ડ ઈમરજન્સી કંટ્રોલ રૂમ, પાલિકાનું કોલ સેન્ટર/હેલ્પલાઈન, પાલિકાની વિવિધ IT ને લગતી જરૂરિયાત માટેનું ડેટા સેન્ટર, પ્રેસ એન્ડ મીડિયા બ્રીફિંગ રૂમ, એક્ઝીક્યુટીવ મિટીંગ રૂમ, ટ્રાન્સપોર્ટ અને મોબિલિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને SMCની અન્ય સેવાઓ માટેનો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
શહેરમાં 50 સ્થળોએ રૂ.20.78 કરોડના ખર્ચે ઈલેક્ટ્રિક વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો(PCS): 25 સ્ટેશનોનું ખાતમુહુર્ત અને 25 સ્ટેશનોનું લોકાર્પણ થશે.સુરત પાલિકા દ્વારા શહેરમાં 50 સ્થળોએ રૂ.૨૦.૭૮ કરોડના ખર્ચે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો (PCS) બનાવવાની યોજના હેઠળ શહેરમાં 25 સ્ટેશનોનું રૂ.10.39 કરોડના ખર્ચે ખાતમુહુર્ત અને રૂ.10.39 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 25 સ્ટેશનોનું લોકાર્પણ થશે. ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા તેમજ ગ્રીન મોબિલિટી, ગ્રીન અને ક્લીન એન્વાયરમેન્ટના હેતુથી આ પ્રકલ્પને જનસમર્પિત કરાશે.
રૂ.13.47કરોડના ખર્ચે સ્મીમેર હોસ્પિટલના G-H બ્લોક સ્મીમેર મેડિકલ કોલેજના A-B બ્લોકનું વિસ્તૃતિકરણ થશે
સ્મીમેર હોસ્પિટલમાં વિવિધ ઓપીડીમાં દૈનિક 3500 દર્દીઓને આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. તેમજ વર્ષે 200 અન્ડર ગ્રેજ્યુએટ અને 123 પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.13.47 કરોડના ખર્ચે સ્મીમેર હોસ્પિટલના G-H બ્લોક સ્મીમેર મેડિકલ કોલેજના A-B બ્લોકનું વિસ્તૃતિકરણ થશે, જેના આ કાર્યનું વડાપ્રધાન ખાતમુહુર્ત કરશે.
રૂ.33 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા ચોકબજારના પ્રાચીન કિલ્લાનું લોકાર્પણ
સુરત શહેરના ચોક બજાર પાસે આવેલો કિલ્લો સુરતના ભવ્ય ઈતિહાસની સાક્ષી પૂરે છે. ચોકબજારમાં 16મી સદીમાં બંધાયેલા પ્રાચીન અને ઐતિહાસિક કિલ્લો જર્જરિત થઈ જતા સુરત પાલિકા દ્વારા કુલ બે ફેઝમાં રિનોવેશનની કામગીરી-નવીનીકરણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ફેઝ-2નું કાર્ય પૂર્ણ થતા આ નવીનીકૃત આ કિલ્લાનું વડાપ્રધાન લોકાર્પણ કરશે.
કામરેજના ખોલવડ ખાતે રૂ.12 કરોડના ખર્ચે IIIT(ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનું લોકાર્પણ
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ખાતે 28 એકર વિસ્તારમાં રૂ.12 કરોડના ખર્ચે નિર્મિત IIIT( ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનું લોકાર્પણ કરવામાં આવશે. ઈન્ફર્મેશન ટેકનોલોજીના અભ્યાસને વેગ આપવાના હેતુથી નિર્મિત IIIT દ્વારા વિદ્યાર્થીઓને સુરતમાં વૈશ્વિક કક્ષાનું આઈ.ટી.નું શિક્ષણ મળી રહેશે.
રૂ.70 કરોડના ખર્ચે હજીરા ખાતે હજીરાથી ઘોઘા રોપેક્ષ ફેરી ટર્મિનલનું લોકાર્પણ
સુરતના હીરા, કાપડ જેવા વિવિધ ઉદ્યોગો અને સૌરાષ્ટ્રના ખેતી, પશુપાલન જેવા વ્યવસાયો વચ્ચે વ્યવસાયિક આદાનપ્રદાન તેમજ મુસાફરોની હેરફેર માટે રૂ.70 કરોડના ખર્ચે હજીરા ખાતે હજીરાથી ઘોઘા રોપેક્ષ ફેરીના ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવશે. બે વર્ષ અગાઉ તા.8/11/2020 ના રોજ હજીરાના અદાણી પોર્ટ ટર્મિનલ પર કામચલાઉ ધોરણે રોરો, રોપેક્ષ ફેરી શરૂ કરાઈ હતી. હવે પંડિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા હજીરા ખાતે નવ નિર્મિત ટર્મિનલ પર ફેરી સેવા ઉપલબ્ધ બનશે.
આ ઉપરાંત, રૂ.254 કરોડના ખર્ચે મીઠી ખાડીનું રિમોડેલીંગ અને રિસ્ટ્રકચરીંગ કામ, રૂ.11 કરોડના ખર્ચે પાલનપોર ખાતે સિટી બસ ડેપો, વર્કશોપ, ટર્મિનલ, ઈ-બસો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કમ્પાઉન્ડ વોલ, રૂ.170 કરોડના ખર્ચે વિવિધ રોડ્સ અને ફ્લાય ઓવરબ્રિજના કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ, કતારગામ, ડભોલી પાસે રૂ.36.27 કરોડના ખર્ચે અત્યાધુનિક લાઈબ્રેરી અને રિક્રીએશન સેન્ટર, કતારગામ શાકભાજી માર્કેટ પાસે રૂ.15.45 કરોડના ખર્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળા, રૂ.215 કરોડના ખર્ચે ફેઝ-૨ હેઠળ 5.7 કિમીનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુએઝ લાઈન, સ્ટોર્મ વોટર નેટવર્ક, ઈલેક્ટ્રિક લાઈન, ડેડીકેટેડ ટ્રેન્ચ, ઓવર હેડ અને અન્ડરગ્રાઉન્ડ ટેંકનું ખાતમુહુર્ત તેમજ ખર્ચે ફેઝ-1 હેઠળ રૂ.103.40 કરોડના ખર્ચે 2.7 કિમીનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુએઝ લાઈન, સ્ટોર્મ વોટર નેટવર્ક, પોર્ટેબલ વોટરલાઈન, ટેરીટરી ટ્રિટેડ લાઈન, ઈલેક્ટ્રિક લાઈન, ડેડીકેટેડ ટ્રેન્ચનું લોકાર્પણ, સુરત જિલ્લાના કડોદ-કોસાડી રોડ પર રૂ.70 કરોડના ખર્ચે તાપી નદી પરના હયાત કોઝવેના સ્થાને 1.60 કિમી લંબાઈનો રિવર બ્રિજનું ખાતમુહુર્ત સહિતના કુલ 3400 કરોડથી વધુના કામોનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહુર્ત-લોકાર્પણ સંપન્ન થશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત