સુરત શહેર અને જિલ્લાને રૂ.3472 કરોડના 59 વિકાસ કામોની ભેંટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

રાષ્ટ્રીય
Spread the love

સુરત, 29 સપ્ટેમ્બર : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે, ગુરુવારે સુરત શહેરના લીંબાયત ખાતે આયોજિત સભામાં તેમણે ઉપસ્થિત વિશાળ જન સમુદાયને સંબોધન કર્યું હતું. મોદીએ દ્રઢવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, જ્યારે તમામ લોકોનો પ્રયાસ મળે છે ત્યારે વિકાસની ગતિ પણ તેજ બને છે અને દેશ પણ ઝડપથી વિકસે છે. મોદીએ નવરાત્રીના પાવન પર્વ સુરત શહેર-જિલ્લામાં કુલ રૂ.3472.54 કરોડના વિવિધ 59 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

વડાપ્રધાનએ સુરત મહા નગરપાલિકાના રૂ.2429.18 કરોડ, ડ્રીમ સીટી પ્રોજેક્ટના રૂ.369.60 કરોડ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના રૂ 673.76 સહિત કુલ રૂ.3472.54કરોડ વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું.તેમણે પાણી પુરવઠાના રૂ.672 કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રિક વેહિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. જેને પરિણામે ડાયમંડ સિટી ઓફ ઇન્ડીયા તરીકે ઓળખાતા સુરત શહેર સહિત જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે.

છેલ્લા બે દાયકામાં સુરત શહેરના થયેલા વિકાસથી દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરતનો સમાવેશ થાય છે. સુરતે દેશની અન્ય શહેરોની સાપેક્ષે બહુ જ ઝડપથી પ્રગતિ કરી છે તેની પ્રધાનમંત્રીએ પ્રસંશા કરી હતી.

વડાપ્રધાનએ કહ્યું કે, દેશના તમામ પ્રદેશના લોકો સુરતમાં વસે અને વિવિધતામાં એકતાના દર્શન કરાવતું હોવાથી આ શહેર મિનિ હિન્દુસ્તાનની પ્રતીતિ કરાવે છે. શ્રમનું સન્માન કરવું એ સુરતની વિશેષતા છે અને અહીં ક્ષમતાની કદર થવા સાથે પ્રગતિની આકાંક્ષા પૂરી થાય છે અને જીવનમાં આગળ વધવાના સપના સાકાર થાય છે. એટલું જ વિકાસની રાહમાં પાછળ રહી ગયેલા વર્ગનો હાથ પકડી આ શહેર તેને આગળ લઇ જાય છે. સુરતની આ ભાવના આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં મોટી તાકાત બનવાની છે.સુરતે ભૂતકાળમાં રોગચાળો, પૂર જેવી કુદરતી આપત્તિનો સામનો કર્યો છે અને તે આપત્તિને અવસરમાં પલટાવી આ શહેર ફરી બેઠું થયું છે, સુરતે આ વિકાસ માટે બે દાયકા પહેલા એક મોડેલ અપનાવ્યું હતું. આ મોડેલ એટલે પીપીપી અને તેમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપની ચર્ચા થતી હતી. પરંતુ, આ ત્રણ પીમાં ચોથો પીપલ્સનો પી અપનાવી વિકાસનું એક નવું મોડેલ દેશ સમક્ષ રજૂ કરી કોઇ પણ શહેરનું દરેક ક્ષેત્રમાં બ્રાન્ડિંગ કેવી રીતે થાય તે સુરતે કરી બતાવ્યું છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

પીએમમોદીએ એમ પણ જણાવ્યું કે, સુરતની અનેક પ્રકારની છબી આપણી સમક્ષ છે. સુરતનું જમણ પ્રસિદ્ધ છે. વિકાસની રાહ પર ચાલતા સુરતે હવે સેતુ શહેર તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી છે. તેની સાથે પહેલા ડાયમન્ડ સિટી, ગ્રિન સિટી, ટેક્સટાઇલ સિટી બાદ હવે ક્લિન સિટી અને સ્માર્ટ સિટી તરીકેની પહેચાન બનાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનના વપરાશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે સુરત શહેરમાં 25 ચાર્જિંગ સ્ટેશન શરૂ થયા છે. હજુ 500 સ્ટેશન શરૂ કરાશે. સુરતમાં આગામી સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના 80 ટકા વાહનો ઇલેક્ટ્રિક થશે. એટલે સુરત ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે પણ ઓળખાશે. સુરત શહેર માનવીયતા, રાષ્ટ્રીયતા અને સમૃદ્ધિના સંગમથી સૌને સાથે જોડવાનું કામ કરી રહ્યું છે.સુરતના કાપડ અને હિરાઉદ્યોગથી અનેક પરિવારોને રોજગારી મળી રહી છે. હવે ડ્રિમસિટી પ્રોજેક્ટ પૂર્ણ થતાં સૂરત સમગ્ર વિશ્વમાં ડાયમન્ડ ટ્રેડ સેન્ટર તરીકે વિકસિત થશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્ર સરકારે સુરતમાં પાવર લૂમ્સ મેગા ક્લસ્ટર બનાવવા માટેની મંજૂરી આપી છે. તેના પરિણામે પ્રદૂષણને લગતી સમસ્યાઓનું નિરાકરણ થશે અને વેપારીઓને લાભ થશે. તેની સાથે કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય લોજીસ્ટિક નીતિ જાહેર કરવામાં આવી છે. જેને પરિણામે સુરતના વ્યાપાર, કારોબારને વધુ ફાયદો થશે. મલ્ટિમોડેલ કનેક્ટિવિટીની ઘોઘા-હજીર રોરો પેક્સ ફેરીથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધી છે. તેનાથી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જેવા વિસ્તારના કૃષિ અગ્રિમ વિસ્તારનું સુરત સાથે જોડાણ ટૂંકુ થયું છે. જેમાં હજીરા ટર્મિનલ તૈયાર થવાથી વધુ રૂટ ખુલશે અને કૃષિક્ષેત્રને ફાયદો થશે. તેમ મોદીએ કહ્યું હતું.

સુરતનું કાપડ બજાર કાશી અને પૂર્વોત્તર ઉત્તરપ્રદેશની સારી રીતે જોડાયેલું છે. સુરતથી કાશી સુધી માલસામાનની સરળ હેરાફેરી માટે એક ટ્રેઇન શરૂ કરવામાં આવનાર છે.સુરત શહેરે ગરીબોને આવાસ આપવાનું કામ પણ સારી રીતે કર્યું છે. સુરતમાં શહેરી ગરીબો માટે ૮૦ લાખ જેટલા આવાસોનું નિર્માણ કરી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સારૂ આશ્રયસ્થાન મળ્યું છે અને તેમના જીવનધોરણમાં સુધારો થયો છે.તત્કાલીન કેન્દ્ર સરકાર પાસે વારંવાર માંગણી કરવા છતાં સુરતને એરપોર્ટ આપવામાં આવતું નહોતું. હવે આ ડબલ એન્જીનની સરકારે સુરતમાં આધુનિક એરપોર્ટ સાથે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ પણ આપ્યો છે. અમારી સરકાર લોકજરૂરિયાતને ધ્યાને રાખી વિવિધ પ્રોજેક્ટને ઝડપથી મંજૂરી તો આપે જ છે, સાથે તે પ્રોજેક્ટને જલ્દી પૂરા પણ કરાવે છે. તેમ વડાપ્રધાનએ ઉમેર્યું હતું.
વડાપ્રધાનએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, નવરાત્રીના પાવન અવસરમાં ગુજરાતની ધરતી ઉપર આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરતા વિકાસકામો, ખેલ સંસ્કૃતિ અને આસ્થાથી જોડાયેલા આયોજનના કામોને પ્રજાર્પિત કરવામાં હિસ્સો બનવાનું અને ગુજરાતના ગૌરવને વધારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાતમાં વિકાસના લાભો ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે, એ આનંદની વાત છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતનું વડાપ્રધાનનું સપનું સાકાર કરવા ઇઝ ઓફ લિવિંગ માટે શહેરોના સર્વાંગી વિકાસની નેમ છે. સ્માર્ટ સિટી, અમૃત પ્રોજેક્ટ અને સ્વચ્છ ભારત પ્રોજેક્ટ થકી ગુજરાતમાં શહેરોને આધુનિક અને વૈશ્વિક કક્ષાના બનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે પણ ગુજરાત આવે છે, ત્યારે ત્યારે વિકાસની ભેટ આપે છે. નવરાત્રીનો તહેવાર હોવા છતાં પ્રધાનમંત્રીના આગમનથી સુરતમાં દિવાળી જેવો માહોલ જામ્યો છે, તેવું સહર્ષ જણાવી મુખ્યમંત્રીએ સુરતવાસીઓને અબજો રૂપિયાના વિવિધ વિકાસકામોની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ ગરીબોને નિઃશુલ્ક રાશન આપવાની યોજના વધુ સમય લંબાવવાના નિર્ણય બદલ પટેલે વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

તાપીના પૂર પછી સુરતે પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત માર્ગદર્શન હેઠળ વિકાસની વાટ પકડી છે અને પછી ક્યારેય પાછું વળી નથી જોયું, તેમ જણાવી મુખ્યમંત્રી પટેલે સ્વચ્છતામાં દેશમાં બીજા ક્રમે આવવા બદલ સુરતને અભિનંદન પાઠવ્યા હતા.ડબલ એન્જિનની સરકારનો લાભ ગુજરાતને મળી રહ્યો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે, “વર્ષ-2023 સુધીમાં સુરતમાં જાહેર પરિવહન સેવામાં 80% ઇ-બસ શરૂ થશે”. હજીરા રોરોપેક્સ ટર્મિનલ થકી કોમર્શિયલ હબ સુરતનું કૃષિ હબ સૌરાષ્ટ્ર સાથે ટુંકૂ જોડાણ થતા વેપારજગત અને કૃષિક્ષેત્રને ફાયદો થશે.બાયો ડાયવસિર્ટી પાર્કના નિર્માણથી જળ પ્રદૂષણ અટકાવવાની સાથે સાથે ગ્રીન સિટીનો ઉદ્દેશ્ય પણ સાકાર થશે તેમ જણાવી તેમણે ક્લીન સિટી સુરતને ગ્રીન સિટી બનાવવાના લક્ષ્ય સાથે સરકાર સતત આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું. સુરત હોલિસ્ટિક વિકાસ સાથે મોડેલ સિટી બની રહ્યું છે. તેમ પટેલે કહ્યું હતું.સુરત જિલ્લાના 183 ગામોને 4 પાણી પુરવઠા યોજનાની ભેટ મળી છે. ગુજરાતમાં નલ સે જલ યોજનામાં 98 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને ટૂંક સમયમાં સો ટકા પૂર્ણ કરવામાં આવશે.સુરતને નવી ઓળખ આપનાર ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટીએ વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ડ્રીમ પ્રોજેક્ટ છે. ખજોદ ખાતે આગળ વધી રહેલા ડાયમંડ બુર્સ પ્રોજેક્ટના કારણે સુરતના હીરા ઉદ્યોગની ચમકદમક પણ વધી રહી છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર.પાટીલ, કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, નાણાં મંત્રી કનુ દેસાઈ, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી મુકેશ પટેલ, વિનોદ મોરડિયા, સાંસદ પ્રભુ વસાવા,ધારાસભ્યો, મેયર હેમાલીબોઘાવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, કલેકટર આયુષ ઓક, અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં માનવમહેરામણ ઉપસ્થિત રહ્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *