સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ આઇટીપ્રિન્યોર્સ 9 બાય 9 ’ વિષે કાર્યક્રમ યોજાયો

વેપાર જગત
Spread the love

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આંત્રપ્રિન્યોરશિપ લોન્જ સિઝન 5 એપિસોડ 1ના ભાગરૂપે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ આઇટીપ્રિન્યોર્સ 9 બાય 9 ’વિષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે અશ્વી કન્સલ્ટન્સી સર્વિસના સીઇઓ ગણપત ધામેલિયા, કેમ્ફીટેક એલએલપીના સીઇઓ કલ્પેશ કોટડીયા, આર્ટુન સોલ્યુશન્સ પ્રા.લિ. એન્ડ અલ્ટીમેટ બિઝનેસ સિસ્ટમ્સ પ્રા.લિ.ના સીઇઓ અલ્પેશ વઘાસિયા, ડિકોડેપના સીટીઓ કોમલ ધોળકિયા, રોયલપોસ સ્વીફટોમેટિકસ સર્વિસિસ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ડાયરેકટર મયુરી રૂપારેલ, હાર્ડ એન્ડ સોફટ કન્સલ્ટન્સીના ફાઉન્ડર એન્ડ સીઇઓ શૈલેષ ખવાની, ડોયેનહબ સોફટવેર સોલ્યુશન્સ પ્રા.લિ.ના સીઓઓ મુકિત રોય, લોજિકવીન્ડ ટેકનોલોજીસ એલએલપીના સીઇઓ નચિકેત પટેલ અને કી કન્સેપ્ટસના સીઇઓ પુનિત ગજેરાએ આઇટી ક્ષેત્રે પોતાની સકસેસ સ્ટોરી યુવાઓ સમક્ષ રજૂ કરી તેઓને પણ આઇટી ક્ષેત્રમાં ઝંપલાવવા માટે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં સુરતમાં આઇટી ક્ષેત્રે ઝંપલાવી સફળતાના પગથિયા સર કરનારા યુવાઓની સકસેસ સ્ટોરી ઉદ્યોગ સાહસિકો તથા ખાસ કરીને આઇટી ક્ષેત્રમાં જવા ઇચ્છતા યુવાઓ સમક્ષ રજૂ કરી શકાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈ.ટી. એ સમગ્ર માનવજાતને કોરોનાના અભિશાપમાં વર્ક ફ્રોમ હોર્મની ભેટ ધરી છે. કોરોના કાળથી શરૂ થયેલી આ પ્રક્રિયા આજે પણ એટલી જ અમલી બની રહી છે. બલ્કે, તેનો વ્યાપ વિસ્તરતો જ જાય છે. એટલે એમ કહી શકાય કે કારણ કોઈપણ હોય, દુનિયામાં કશું જ અટકતું નથી એવું આઈ.ટી. એ સાબિત કરી આપ્યું છે.
ગણપત ધામેલિયાએ જણાવ્યું હતું કે, એમબીબીએસમાં નંબર લાગ્યો હતો પણ આઇટી ક્ષેત્રમાં રસ હોવાથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયેલા આઇટી કોર્ષમાં જોડાઇને એ દિશામાં આગળ વધ્યો હતો. મિત્રની સાથે મુંબઇમાં ધર્મશાળામાં રહીને આઇટી કંપનીઓમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જતો હતો. ત્યારબાદ મુંબઇની એક કંપનીમાં સારા પગારધોરણ પર નોકરી પણ કરી હતી, પરંતુ વર્ષ ર૦૦૭–૦૮માં નોકરી છોડીને સુરત આવી એકાઉન્ટ, ડાયમંડ અને ટેકસટાઇલના સોફટવેર બનાવ્યા હતા.
બેન્કો માટે નવી કિલયરીંગ સિસ્ટમ માટે સોફટવેર બનાવ્યું હતું. ચાર વર્ષમાં ગુજરાતની ૩પ૦ જેટલી બેન્કોમાં સોફટવેર આપવાના હેતુથી ફર્યો હતો, પરંતુ રૂપિયાને બદલે સંબંધ અને કવોલિટીને મહત્વ આપીને એક બેન્કમાં એક રૂપિયામાં ડીલ કરી સોફટવેર ઇન્સ્ટોલ કર્યું હતું. આ સંબંધને કારણે મુંબઇની ર૭પ બેન્કોમાં સોફટવેર ઇન્સ્ટોલ કરવાનો ઓર્ડર મળ્યો હતો. હવે તેઓ સુરતને આઇટી હબ બનાવવાની દિશામાં પ્રયાસ કરી રહયા છે. તેમને કાનજીભાઇ ભાલાળા પાસેથી દિશા સૂચન મળ્યું હતું અને આજે તેઓ આઇટી ક્ષેત્રે સફળ થયા છે. તેમણે કહયું કે, હવે આપણે બધાએ મળીને સુરતને ડિજીટલ વેલી બનાવવાની છે.
કલ્પેશ કોટડીયાએ જણાવ્યું હતું કે, આઇટી ક્ષેત્ર હોય અથવા બીજું કોઇ ક્ષેત્ર હોય તેમાં સાહસિકતા કરવા માટે બોલવું સરળ છે પણ ખરેખર તેને અમલમાં મુકવું તેટલું જ મુશ્કેલ પણ છે. એના માટે લીગલ અને કમર્શિયલ ચેલેન્જીસ આવતી હોય છે, પરંતુ જ્યારે તમે કઇ કરવાનું નકકી કરી લો છો અને એ દિશામાં આગળ વધો છો તો તમને સફળતા ચોકકસપણે મળે છે. આજે તેઓ સાત જેટલી કંપનીઓ સાથે સંકળાયેલા છે. વધુમાં તેમણે કહયું હતું કે બેંગ્લોર, પૂણે તથા અન્ય શહેરોની જેમ સુરતમાં પણ આઇટી ક્ષેત્ર નવી ઊંચાઇ હાંસલ કરશે.
અલ્પેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સાતમાં ધોરણ સુધી વ્યવસ્થિત લખતા અને વાંચતા આવડતું ન હતું. સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓને ઇનામ લેતા જોઇને નકકી કર્યું હતું કે એક દિવસ સ્ટેજ પર ઇનામ લઇશ અને એના માટે ઘણી મહેનત કરી હતી. મુંબઇ ખાતે કંપનીમાં બે વર્ષ માટે નોકરી પણ કરી હતી. કારકિર્દી બનાવવા માટે દેશના ઘણા શહેરો હતા પણ સુરત જ નકકી કર્યું હતું. અન્યોને પણ રોજગાર આપવા માગતો હતો તેથી પોતાની કંપની શરૂ કરી હતી. પરિવારજનો ચિંતિત થયા હતા પણ નિર્ણયની સાથે આગળ વધ્યો હતો. શરૂઆતમાં ત્રણ ગેમ બનાવ્યા હતા અને ત્યારબાદ સર્વિસ બિઝનેસ શરૂ કર્યો હતો. આર્ટુન કંપની બનાવી અને અત્યાર સુધી ર૦૦ ગેમ્સ બનાવ્યા. હવે વિશ્વમાં ઘણા બધા માટે કામ કરીએ છીએ. સ્ટાર્ટ–અપને પ્રોત્સાહન આપવાના હેતુથી છ જેટલી કંપનીઓમાં રોકાણ કર્યું છે અને અન્ય ર૦ કંપનીઓને મેન્ટરીંગ કરીએ છીએ.
મિલન ધોળકીયાએ જણાવ્યું હતું કે, કોમલ ધોળકિયાએ આઇટીમાં ડેવલપરની સાથે સાથે સેલ્સ તથા પ્રોજેકટને મેનેજ કરવાનું પણ કામ કર્યુ છે. આઇટી ક્ષેત્રે કંપની શરૂ કરીએ ત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પ્રોફેશનલી કામને ડેલીગેટ કરવું પડે છે. સેલ્સ તથા પ્રોજેકટ મેનેજ કરવા પડતા હોય છે. ઘણા પ્રોજેકટ મળી જાય ત્યારે પ્રોડકટીવિટી ઉપર ધ્યાન આપવું પડે છે. આથી તેઓ હવે લાર્જ સ્કેલના પ્રોજેકટ ઉપર ફોકસ કરીને આગળ વધી રહયા છે.

મયુરી રૂપારેલે જણાવ્યું હતું કે, આઇટી ક્ષેત્ર એક રિમોટથી આપણને વિદેશ પહોંચાડે છે અને ત્યાંથી બિઝનેસ પણ લાવે છે. મુંબઇમાં ભણેલા અને એક સરકારી પ્રોજેકટથી કામની શરૂઆત કરનારા મયુરીએ દિકરીના જન્મ બાદ ફ્રિલાન્સીંગ શરૂ કરી હતી. કલાયન્ટને બિલીંગ સોલ્યુશનની રિકવાયરમેન્ટ વધારે આવતી હતી. આથી તેઓએ મોબાઇલ એપ બનાવવાની શરૂઆત કરી હતી. અન્યાર સુધી તેઓએ 300 જેટલી મોબાઇલ એપ બનાવી છે અને ઘણા સારા ગ્રાહકો સાથે તેઓ કામ કરી રહયા છે. તેઓ આઇટી ક્ષેત્રે મહિલાઓનું યોગદાન વધે તે માટે મહિલા સશકિતકરણ માટે પણ પ્રયાસ કરી રહયા છે.
શૈલેષ ખવાનીએ જણાવ્યું હતું કે, આઇટી ક્ષેત્રે કંપનીઓ શરૂ કરી અને કેટલાકમાં નિષ્ફળતા પણ હાથ લાગી હતી. પરંતુ દરેક નિષ્ફળતામાંથી કઇક નવું શીખીને જીવનમાં આગળ વધતો ગયો. શરૂઆતમાં માત્ર ટેકનીકલ બાબત પર ફોકસ કર્યો હતો, પરંતુ મેનેજમેન્ટ પર પણ ફોકસ કરવું જરૂરી છે. તેમણે કહયું કે, સિદ્ધાંતની સાથે કયારેય સમાધાન નહીં કરવું જોઇએ. કર્મચારીઓ સાથે ઇમોશનલી એટેચ રહેવું જોઈએ અને હમેશા ટીમની સાથે ઉભા રહેવું જોઇએ.
મુકિત રોયે જણાવ્યું હતું કે, તેમની કંપની ઇ–કોમર્સ અને ગવર્મેન્ટ બોડીઝ સાથે કામ કરી રહી છે. સુરતમાં આઇટી ક્ષેત્ર માટે ઘણી તકો ઉભી થઇ છે અને સુરત આઇટી હબ બનવા માટે તૈયાર થઇ ગયું છે. ટીમ જ્યારે સાથે મળીને કામ કરતી હોય ત્યારે વિકાસ પણ બધાનો થવો જોઇએ. આઇટી કંપની બનાવી વર્ષોથી કલાયન્ટની સાથે કામ કરીએ છીએ. આઇટી ક્ષેત્રે હોમ ગ્રાઉન્ડ ટેલેન્ટને ઓળખીને તેઓને ટીમમાં જોડવા જોઇએ.
નચિકેત પટેલે જણાવ્યું હતું કે, પ્રોગ્રામિંગમાં પહેલાથી રસ હતો એટલે આઇટી ક્ષેત્ર પસંદ કર્યું હતું. એસ્સાર કંપનીમાં ચાર વર્ષ નોકરી પણ કરી હતી, પરંતુ જીવનમાં હમેશા નવું કરવાનું ગમે છે. આથી નોકરી છોડીને સુપર ગેમ બનાવી હતી. તેમણે કહયું કે તમારી વીકનેસને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરો. માઇન્ડસેટ ફયૂચરનું હોવું જોઇએ. જીવનમાં રિલેશનશિપ ઘણા મહત્વના હોય છે, જે સારું કામ અને નામ અપાવે છે. આથી કોર વેલ્યુજ મહત્વની છે. ટીમ ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરવો જોઇએ અને સારી બાબતને ડેલીગેટ કરવી જોઇએ.
પુનિત ગજેરાએ જણાવ્યું હતું કે, હોમિયોપેથીમાં પ્રવેશ લીધો હતો પણ આઇટીમાં રસ હોવાથી વર્ષ 2007માં પાર્ટ ટાઇમ પ્રોગ્રામર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. એક કામ કર્યા બાદ પોતાની કંપની શરૂ કરવાનું વિચાર્યું હતું. હવે મારી કંપનીમાં કર્મચારી પણ પાર્ટનર છે. તેઓ છેલ્લા સાત વર્ષથી સુરતને આઇટી હબ બનાવવા માટે પ્રયાસ કરી રહયા છે. તેમણે કહયું કે આંત્રપ્રિન્યોરશિપ ઇઝી પણ નથી અને અઘરી પણ નથી. સાહસિકતા કરવાની ધગશ હશે તો કરી શકશો.
ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના કો–ચેરમેન ડો. રાકેશ દોષીએ કાર્યક્રમના અંતે તેનો સાર રજૂ કર્યો હતો. કમિટીના સભ્ય ચેતન પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *