
સુરત, 1 ઓકટોબર : સુરત જિલ્લાના મહુવા તાલુકાના બુટવાડા, કણબીવાડ ખાતે સરકારની સબસિડીવાળા રાસાયણિક ખાતર યુરિયાનો ઔદ્યોગિક વપરાશ કરતા 2 શખ્સોને કુલ 24 બેગના જથ્થા સાથે ખેતીવાડી અધિકારીઓએ સ્થળ તપાસ દરમિયાન ઝડપી પાડ્યા હતા. સાથોસાથ તેઓની પાસેથી ઈમ્પોર્ટેડ બાય ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા, પેક્ડ અને માર્કેટેડ બાય ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો.ઓપ.લિમિટેડ-નવી દિલ્હીના માર્કાવાળી ઓગસ્ટ-2022ના લોટ નં.21ની કુલ 8 થેલીઓ તેમજ કોઈ પણ લખાણ વગરની કુલ 18 થેલીઓ પેકિંગમાં મળી આવી હતી.

આ કેસની પ્રાથમિક તપાસમાં આ બે આરોપીઓ (1) ભરત ઉર્ફે વિક્કી પુખરાજ ચંદેલ (ઉ.વ.34)રહે.વલવાડા ગામતળ ફળીયુ, તા.મહુવા અને (2) રાજુ પરસોત્તમ પરમાર (ઉ.વ.32) રહે.બુટવાડા હરિજનવાસ, તા.મહુવા દ્વારા નીમ કોટેડ યુરિયાનો ખેતીમાં વપરાશ કરવાને બદલે ઔદ્યોગિક વપરાશ થઈ રહ્યો હોવાનું જણાતા ખાતર નિયંત્રણ હુકમ- 1985ની જોગવાઈઓના ભંગ બદલ સજાપાત્ર ગુનો કર્યો હોવાથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત