
સુરત, 1 ઓક્ટોબર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રવિવાર, 2 ઓકટોબર, 2022ના રોજ સાંજે 5:30 થી 7:30 કલાક દરમ્યાન સુરતમાં ડુમસ રોડ સ્થિત ઓએનજીસી બ્રિજ સર્કલ ખાતે ‘ટ્રાફિક અવેરનેસ રોડ શો’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેમાન તરીકે સુરતના નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક સેકટર 1) ઉષા રાડા અને મદદનીશ પોલીસ કમિશનર (ટ્રાફિક રિજિયોન 4) એ. એમ. પરમાર ઉપસ્થિત રહેશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, રોડ અકસ્માતમાં કેટલીક વખતે કારમાં સીટ બેલ્ટ નહીં પહેરવાને કારણે કારચાલકનું મોત થયું હોવાના કિસ્સાઓ છાશવારે બનતા હોય છે. જ્યારે પાછળની સીટ પર બેસેલી વ્યકિતને પણ ગંભીર ઇજા પહોંચતી હોવાના બનાવો બનતા હોય છે ત્યારે સુરતના શહેરીજનો કારમાં બેસે ત્યારે સીટ બેલ્ટ પહેરીને અકસ્માતમાં થતી ઇજાથી બચી શકે તે હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રાફિક અવેરનેસ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ અધિકારીઓની હાજરીની વચ્ચે કારમાં સવાર લોકોને સીટ બેલ્ટ પહેરવા માટે સમજાવવામાં આવશે અને જે લોકોએ સીટ બેલ્ટ પહેરેલા હશે તેઓને ગુલાબનું ફુલ અને સર્ટિફિકેટ આપી તેઓનું અભિવાદન કરવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત