
સુરત, 1 ઓકટોબર : ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજિત સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સચીન જીઆઇડીસી ખાતે રૂા.19.78 કરોડના ખર્ચના 66 કે. વી. ડાયમંડ પાર્ક(સચીન)સબ સ્ટેશનનુ ભૂમિપૂજન તથા રૂા.16.34 કરોડના ખર્ચે નિર્મિત થયેલા 66 કે.વી.સચીન ઈ-સબ સ્ટેશનનું લોકાર્પણ તેમજ રૂા.44.57 કરોડના ખર્ચે સચીન જી.આઇ.ડી.સી.માં અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના કાર્યનું લોકાર્પણ સહિત કુલ રૂ. 81 કરોડના કામો નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે સંપન્ન થયા હતા. આ અવસરે ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે નાણા અને ઉર્જામંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે, રાજયનો સતત વધતો જતો વિકાસ અને વીજળીની સતત માંગને પરિણામે વીજગ્રાહકોને સાતત્યપુર્ણ વીજપુરવઠો મળી રહે તે માટે સરકાર નવા નવા સબ સ્ટેશનોનું નિર્માણ કરી રહી છે. વીતેલા બે દાયકામાં રાજયનો અભુતપૂર્વ વિકાસ થયો છે. સમગ્ર વિશ્વ જયારે વીજળીની કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે રાજયમાં વીજળીનો પુરવઠો અવિરતપણે પુરતા પ્રમાણમાં મળી રહે માટે સરકાર કાર્ય કરી રહી છે. આજે વીજળીને લગતા બે લોકાર્પણ અને એક સબસ્ટેશનું ખાતમુહૂર્ત થવાથી હજારો ઔદ્યોગિક, રહેણાંક વિસ્તારને નિયમિત વીજળી મળવાથી વિકાસની ગતિ વધુ તેજ ગતિએ આગળ વધશે તેમ તેમણે જણાવ્યું હતું.

સતત વિકસી રહેલા ઉધોગોની વીજ માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે આગળ વધી રહી છે જેના ભાગરૂપે સચીનના ડાયમંડ પાર્ક ખાતે ભૂમિપૂજન થયેલા રૂ. 19.78 કરોડના ખર્ચે 66 કે.વી.નવા સબ સ્ટેશનના નિર્માણથી આસપાસના 8 કિ. મી.વિસ્તારમાં રહેણાંક, વાણિજય, ઔધોગિક તેમજ સચીન ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના 9655 વીજ ગ્રાહકોને ગુણવત્તા સભર વીજળી પુરતા દબાણથી પુરી પાડી શકાશે. આ સબ સ્ટેશન ખાતે 11 કે. વી.ના 8 ફીડરો સ્થાપિત કરવામાં આવશે.જયારે 16.34 કરોડના ખર્ચે નિર્મિત થવાથી 66 કે. વી.સચીન ઈ.-સબ સ્ટેશનનુ નિર્માણ થવાથી ઔધોગિક અને એચ.ટી.ના મળી 1634 વીજ ગ્રાહકોને પુરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહેશે.

આ અવસરે સુરત ઔદ્યોગિક વિભાગીય કચેરી, પાંડેસરા હેઠળની સચીન-1 પેટા વિભાગીય કચેરી હેઠળ એ.આઈ.આઈ. સ્કીમ અંતર્ગત રૂા.44.57 કરોડના ખર્ચે સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના કામનું લોકાર્પણ થયું હતું. જેમાં રાજય સરકાર, સચીન નોટીફાઈડ એરીયા તથા ડીજીવીસીએલના સંયુકત ઉપક્રમે રૂ.22 કરોડના ખર્ચે સચીન જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલા ચાર 66 કે.વી.સબ સ્ટેશનમાંથી નીકળતા 38 જેટલા ઓવરેહેડ ફિડરોનો 165 કિ.મી. અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવ્યો છે. જેથી 38 ફિડરોમાં વિના વિક્ષેપે 5000 જેટલા ઔદ્યોગિક વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહ્યો છે.

આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, જમીનના દાતા વિષ્ણુ પાલીવાલ, સચીન ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ મહેન્દ્ર રામોલીયા, જેટકોના એમ.ડી.ઉપેન્દ્ર પાંડે, જેટકોના મુખ્ય ઈજનેર કે.આર.સોલંકી, ડી.જી.વી.સી.એલના મુખ્ય ઈજનેર એસ.આર.શાહ, કાર્યપાલક ઈજનેર પી.એલ.પટેલ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત