સુરતમાં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર. શાહના અધ્યક્ષસ્થાને 40 કલાક મિડીએશન ટ્રેનિંગ પ્રોગ્રામનું સમાપન

કાયદા-કાનૂન
Spread the love

સુરત, 1 ઓકટોબર : મિડીએશન એન્ડ કન્સીલિયેશન પ્રોજેકટ કમિટી-નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા.27 સપ્ટે.થી તા.1 ઓક્ટો. દરમિયાન વકીલો માટે ‘40 કલાક મિડીએશન ટ્રેનિંગ પ્રોગ્રામ’ યોજાયો હતો, જેનો સમાપન સમારોહ અઠવાલાઈન્સ સ્થિત પી.ટી.સાયન્સ કોલેજના તારામતી હોલ ખાતે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ અને મિડીએશન એન્ડ કન્સીલીયેશન પ્રોજેક્ટ કમિટી(MCPC)ના સભ્ય એમ.આર.શાહના અધ્યક્ષસ્થાને અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઈન ચીફ અરવિંદ કુમારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર.શાહે જણાવ્યું હતું કે, વકીલાત એ ‘નોબલ પ્રોફેશન’ છે. આ વ્યવસાયમાં સેવા અને મદદની ભાવનાથી સમાજ માટે કંઈક કરી છૂટવાની તક મળે છે. ‘હું તમને કોર્ટમાં જોઈ લઈશ’ એવી ધમકી આપનારે પણ કોર્ટમાં પહોંચતા પહેલા વકીલની ઓફિસમાં જવું પડે છે. કોઈ પણ કેસ કોર્ટમાં રજૂ થતા પહેલા વકીલોના માધ્યમથી જ આગળ વધે છે, એટલે જ ન્યાયક્ષેત્રમાં વકીલોની ભૂમિકા વધી જતી હોય છે.સફળ મિડીયેટર બનવા માટે ધીરજ અને પક્ષકારોને શાંતિથી સાંભળવાના ગુણો હોવા જરૂરી છે. પ્રેક્ટિકલ બનવા સાથે ઈમોશનલ બની કામ કરવામાં આવે તો તેનાથી મળતો સંતોષ અવર્ણનીય હોય છે એમ જણાવતા આ સંદર્ભે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. જીવન એ ઈકો(પડઘો) સમાન છે, તમે જેટલું સમાજને આપશો, લોકોને સહાયરૂપ બનશો એટલું જ બમણા વેગથી તેનો હકારાત્મક પ્રતિસાદ જીવનમાં જોવા મળશે.

શાહે ગુજરાત હંમેશા પોતાના હ્રદયની નજીક હોવાનું જણાવી ગુજરાતના આર્થિક પાટનગર સુરત અને સુરતવાસીઓની વિનમ્રતાની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર લોક અદાલતના લાભો વિષે સમજ આપી આપી જણાવ્યું હતું કે, લોકઅદાલત સમાજ માટે તકરાર નિવારણનો ઉત્તમ ઉપાય છે, લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોને ન્યાય અને સમાન ખુશી મળે છે.

આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે કહ્યું કે, કોરોનાકાળમાં ટેકનોલોજીનો અસરકારક વિનિયોગ કરી ODR–ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન થકી ન્યાય મેળવવામાં ગતિ આવી છે. કોરોના જેવી કોઈ પણ આફતને અવસરના રૂપમાં જોવી જોઈએ તો જ જીવનની કઠિન કસોટીઓમાંથી પાર ઉતરી શકાશે.

અરવિંદ કુમારે વિદ્યા વિનય શીખવે છે એમ જણાવી જેટલું વધુ શીખીએ એટલા જ વિનમ્ર બનીએ તો આપણે મેળવેલી વિદ્યા સાર્થક બને છે. મિડીયેશન (મધ્યસ્થી) દ્વારા વિવાદોનો કાયમી ઉકેલ સરળતાથી લાવી શકાય છે. ગાંધીજી ઉમદા વકીલ અને અને સફળ, અસરકારક મિડીયેટર હતા એમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતામંડળના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગોકાણી, ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ અને સુરત જિલ્લાના વહીવટી જજ એન.વી.અંજારીયા, જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ આર.કે.કોરાટ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા, ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર આર.કે.દેસાઈ, MCPCના મેમ્બર સેક્રેટરી યજુવેન્દ્રસિંહ સહિત બાર એસોસિએશનના હોદ્દેદારો, સભ્યો, વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *