
સુરત,1 ઓકટોબર : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા રૂ.19.36 કરોડના ખર્ચે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયનું નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ તેમજ રૂ.20.67 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામનું ભૂમિપૂજન આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે સંપન્ન થયું હતું.
ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરી તેમને વૈશ્વિક સ્તરનું શિક્ષણ મળી રહે, શિક્ષણ સાથે નિ:શુલ્ક ભોજન અને નિવાસની સુવિધા મળી રહે એ માટે જવાહર નવોદય વિદ્યાલય કેમ્પસમાં શાળા અને હોસ્ટેલ બિલ્ડીંગ, અદ્યતન રસોડુ, ભોજનાલય, રમત-ગમતનું મેદાન, બગીચો, પ્રાર્થનાખંડ, લેબોરેટરી, લાઈબ્રેરી, સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ કરાયું છે. આ ભવનના નિર્માણથી 9 થી 13ની વયના 96 જેટલી વિદ્યાર્થિનીઓ અને 192 જેટલા વિદ્યાર્થીઓ નિ:શુલ્ક રહેવા-જમવા સાથે ધો.6 થી 12માં શિક્ષણ સુવિધા મેળવી શકશે. જ્યારે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામ થવાથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને સમાવી શકાશે.

આ પ્રસંગે મંત્રી દેસાઈએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે છેવાડાના ગામડાઓ સુધી આધુનિક સુવિધાયુક્ત શાળાઓ અને છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓનું નિર્માણ કરી શિક્ષણની જ્યોત પ્રગટાવી છે. એક સમય હતો જ્યારે આદિવાસી વિસ્તારમાં ફોનમાં નેટવર્ક મેળવવા વૃક્ષોનો સહારો લેવો પડતો હતો, પરંતુ આજે આદિવાસી વિસ્તારોમાં રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, પાણી સહિતના અનેક ક્ષેત્રોમાં સુવિધાઓ ઉપલબ્ધ થઈ ચૂકી છે, જેનો આદિજાતિ સમૂદાયને બહોળો લાભ મળી રહ્યો છે.

આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, સરકારી કુમાર છાત્રાલયનું નવું બાંધકામ ઝડપભેર પૂર્ણ કરીને વધુમાં વધુ બાળકોને સમાવી તેમને શિક્ષણસેવાથી લાભાન્વિત કરવાનું અમારૂ લક્ષ્ય છે. શિક્ષણ અને મકાન બંનેમાં ગુણવત્તા હોવી જરૂરી છે તો જ વિદ્યાર્થીની ભાવિની ઈમારત મજબૂત બનશે. આદિવાસી વિસ્તારમાં વાંકલ શિક્ષણ માટેનું હબ બની ગયું છે. એકલવ્ય મોડેલ સ્કૂલોમાં 90થી 100 ટકા પરિણામ આવ્યું છે.વિદ્યાર્થીઓ આજના આધુનિક સમયમાં મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શિક્ષણના જ્ઞાનસાગરનો લાભ મેળવે તે જરૂરી છે. આદિવાસી વિસ્તારોના બાળકોને તેમના ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળે માટેની વ્યવસ્થા સરકારે કરી છે. તેમજ આદિવાસી વિસ્તારમાં સિંચાઈ યોજના થકી આદિવાસીઓનું સ્થળાંતર અટકશે, ખેતી અને પશુપાલન જેવા વ્યવસાય થકી તેમની આર્થિક ઉન્નતિ થશે.

સાંસદ પ્રભુ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, સ્થાનિક વિસ્તારમાં રોડ-રસ્તા, પાણી, આંગણવાડી, સૈનિક શાળા, નવોદય વિદ્યાલય જેવી સુવિધાઓ ઉભી થઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ડબલ એન્જિન સરકારના ડબલ લાભો લોકોને મળી રહ્યા છે. દેશના વિકાસ માટે સમાજનો શૈક્ષણિક વિકાસ ખુબ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણ નીતિ શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવશે. સરકારે શાળા પ્રવેશ ઉત્સવ થકી બાળકોને શિક્ષણ લેતા કર્યા એમ જણાવી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક વિકાસલક્ષી યોજનાઓની વિગતો આપી તેનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે સરકારે લીધેલા અનેક પગલાઓની વિગતો આપી હતી. અગાઉ શિક્ષણની સુવિધાઓના અભાવે સ્થાનિક વિસ્તારના બાળકોને અભ્યાસ માટે બહાર જવું પડતું હતું, પણ આજે માંગરોળના વાંકલમાં શાળા-કોલેજો સ્થાપિત થવાથી તેને ‘મિની વિદ્યાનગર’ તરીકે નવી ઓળખ મળી છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ વસાવા, માંડવી પ્રાંત અધિકારી જનમ ઠાકોર, નગરપાલિકા પ્રમુખ મીના શાહ, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનગામીત, સરપંચો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો સહિત શિક્ષકો-વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત