
સુરત, 4 ઓકટોબર : સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ હંમેશા વિદ્યાર્થીઓના અભ્યાસ બાબતે, વિદ્યાર્થીઓના ભવિષ્ય બાબતે, અત્યાર સુધીમાં ઘણી બધી લડત લડી ચૂક્યા છે. આજની આ પ્રેસ કોન્ફરન્સ એક અત્યંત સંવેદનશીલ બાબતે કરવામાં આવી રહી છે. જેની સંપૂર્ણ માહિતી CYSS ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દર્શિત કોરાટ દ્વારા આપવામાં આવશે.
CYSS ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દર્શિત કોરાટએ એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, જેવી રીતે આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટીની CYSS સમિતિ હંમેશા જ વિદ્યાર્થી અને યુવાનોના હિત માટે કામ કરતી આવી છે. છેલ્લા બે મહિના પહેલા અમારી ટીમને એવી માહિતી મળી હતી કે સુરતની જે અલગ અલગ કોમર્શિયલ બિલ્ડીંગ છે તે કોમર્શિયલ બિલ્ડીંગોમાં કેટલીક ગેરબંધારણીય પ્રવૃત્તિઓ થતી હોય, ગેરબંધારણીય જે વ્યસનો છે તે થતા હોય એવી માહિતીના ફોટા કેટલાક જાગૃત નાગરિકો દ્વારા અમને મળ્યા છે. ત્યારબાદ સતત બે મહિના સુધી CYSS સમિતિ દ્વારા સુરતની જેટલી પણ કોમર્શિયલ બિલ્ડીંગો છે તેમાં વોચ રાખવામાં આવી, અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે એવી બિલ્ડીંગ જ્યાં કોઈ વ્યક્તિ રાત્રે જઈ ન શકતું હોય તેવી બિલ્ડિંગોના ટોયલેટમાંથી, ખૂણા ખાચરાઓમાંથી એવા વિભિન્ન પ્રકારના ઇન્જેક્શન પ્રાપ્ત થયા જે ઇન્જેક્શનનો ઉપયોગ ડ્રગ્સ લેવા સિવાય બીજી એક પણ જગ્યાએ ના થતો હોય. આ મુદ્દો ડ્રગ્સનો છે. જેમાં સુરતની અલગ અલગ કોમર્શિયલ બિલ્ડીંગમાંથી અમને ડ્રગ્સ લેવા વાળા ઇન્જેક્શન પ્રાપ્ત થયા છે.
આપણા માનનીય ગૃહમંત્રી જ્યારે સુરતથી આવતા હોય અને સુરતમાં આવી ઘટના બનતી હોય તો તે અતી નીંદનીય છે. કોમર્શિયલ બિલ્ડીંગ જેમાં 20 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના યુવાનો જોબ કરે છે, પોતાના બિઝનેસ ચલાવે છે અને તેવી બિલ્ડીંગોમાં આવા ઇન્જેક્શન મળવાથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે ગુજરાતના યુવાનો કઈ દિશામાં જઈ રહ્યા છે. સરકાર સામે પ્રશ્ન ઊભો થાય છે કે સરકાર શું કરી રહી છે? જ્યારે સુરતથી જ ગૃહ મંત્રી આવતા હોય અને સુરતમાં આવી નીંદનીય ઘટનાઓ જોવા મળતી હોય તો આપણે ગુજરાતને શું શીખ આપીશું? આપણે ભારતને શું શીખ આપીશું? તે સવાલ અમે ગૃહ મંત્રીને કરીએ છીએ.
આમ આદમી પાર્ટી વતી અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે જો તમારાથી તમારું સુરત ચલાવવાની જ તાકાત ના હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. કોમર્શિયલ બિલ્ડીંગમાંથી જેટલા પણ ઇન્જેક્શનમાં મળ્યા છે તેના વિડીયો અને અમારી રિસર્ચના સંપૂર્ણ પુરાવા અમારી પાસે છે અને ત્યારપછી દર્શિત કોરાટ દ્વારા તે દરેક વીડિયો મીડિયા ને બતાવવામાં આવ્યા. દર્શિત કોરાટ દ્વારા બતાવેલા વીડિયોમાં સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાતું હતું કે તે કોમર્શિયલ બિલ્ડીંગ છે અને તેના ટોયલેટ તથા ખૂણા ખાચરાઓમાં ઇન્જેક્શન જોવા મળ્યા છે.
વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોકનો આ વિડિયો છે. બધા અલગ અલગ વિસ્તારમાંથી અમે વિડિયો લીધેલા છે. યુવાનોને રંગે હાથ પકડવાની અમે કોશિશ કરી હતી, પરંતુ ઘણા બધા યુવાનો આના ભોગ બન્યા હોય ત્યારે આવા યુવાનોને સામે લાગવવા કરતા સરકાર પોતે ચકાસણી કરી આવા યુવાનોને સુધારવા નું કામ કરશે તો એ વધુ યોગ્ય રહેશે. રંગે હાથ પકડવા જતા કેટલાક યુવાનો અમારા હાથમાંથી છટકી ગયા છે એના પણ અમારી પાસે પુરાવા છે. લેબોરેટરી તપાસની જવાબદારી અમારી નથી એ પોલીસ પ્રશાસનની છે.આ બિલ્ડીંગો ના નામ ની માહિતી આપવા માટે અમે તૈયાર છીએ. ડોક્ટરોનું કહેવું છે કે આ પ્રકારના ઇન્જેક્શન બે વસ્તુ માટે ઉપયોગ કરવામાં આવે છે. એક છે ઇન્સ્યુલીન ડાયાબિટીસના પેશન્ટ માટે અને બીજું છે ડ્રગ્સ માટે. 37 થી વધારે બિલ્ડીંગોમાં અમે તપાસ કરી તેમાં 15 થી 16 જેટલા બિલ્ડીંગોમાં આવી વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. અમુક બિલ્ડીંગમાં ટોયલેટ ઓફિસની અંદર જ આપવામાં આવ્યા છે તો એમાં પણ આવા ગેર બંધારણીય પ્રવૃત્તિ થતી હશે એવું અમારું માનવું છે.
કામરેજ, વરાછા, મોટા વરાછા, વેસુ વિસ્તારમાં આવી બિલ્ડીંગો છે. અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે જવાના છીએ. અમારી પાસે જે પણ પુરાવા છે એની સાથે અમે રજૂઆત કરવાના છીએ. અમે રેડ કરી ત્યારે અમે માની શકતા ન હતા કે આ એ જ ઇન્જેક્શન છે, ત્યારે અમે વિચાર્યું કે પહેલા જોવું જોઈએ કે આ કયા પ્રકારની પ્રવૃત્તિ છે. અમે પણ એમ નેમ કોઈ સામે આંગળી ચીંધવા માંગતા ન હતા એટલે અમે પોલીસ પ્રશાસનને આ અંગેની માહિતી આપી ન હતી. અમે ચોક્કસ પુરાવા સાથે આવ્યા ત્યારે અમે એવું નક્કી કર્યું કે હવે અમે પોલીસ પ્રશાસનને રજૂઆત કરીશું. ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે તેનું સરકારે વિચારવાનું હોય છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી હમણાં ડ્રગ્સ ઝડપાયું. અત્યારે તેનાથી વધારે ડ્રગ્સ યુવાનો લઈ ચૂક્યા છે અને હાલની તારીખે પણ લે છે. પોલીસ નું કામ છે તમામ બિલ્ડીંગો ઉપર વોચ રાખવાનું તો એ પોલીસ પ્રશાસને નિભાવવું જોઈએ.સુરતમાં અનેકવાર ડ્રગ્સ આવે છે અને તેમાં તેને રોકવા માટે યોગ્ય પગલા લેવામાં આવતા નથી. તેમાં કેટલાક અધિકારીઓનો હાથ પણ હોઇ શકે છે. અમે એ કહી નથી શકતા કે આમાં કયા અધિકારીનો હાથ છે. અમે ફરિયાદ આપીશું કે અમને આવી માહિતી પ્રાપ્ત થઈ છે, ત્યારબાદ પંચનામું કરીને પોલીસ દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ અમને મંજૂર છે પણ કાર્યવાહી થાય એ મહત્વની છે.
આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સમાં સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા સહિત પ્રદેશ સંગઠન મંત્રી તથા કામરેજ વિધાનસભા ઉમેદવાર રામ ધડુક, CYSS ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દર્શિત કોરાટ, લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણી અને CYSS સુરત શહેર પ્રમુખ પ્રદીપ કાકડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત