
સુરત, 8 ઓકટોબર : સુરતની કામરેજ વિધાનસભાના ભાજપાના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાની 24.75 લાખની મિલકતો જપ્ત કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.એક ટ્રક દ્વારા અકસ્માત કેસમાં મોતને ભેટેલા યુવાનના પરિજનોને 15 લાખની ચુકવણી કરવાનો અગાઉ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશની અવગણના કરવા બદલ કોર્ટે ધારાસભ્ય સામે લાલ આંખ કરતા આ આદેશ આપ્યો છે.જોકે, ધારાસભ્ય ઝાલાવાડિયા દ્વારા આ આદેશ સામે તેઓ અપીલમાં જવાના હોવાનું જણાવ્યું હતું અને આ અકસ્માત થયો ત્યારે તેમણે આ ટ્રક વેચી દીધો હોવાનો અને તેની પત્નીના નામે જ હોઈ વેચનારના નામે ટ્રાન્સફર ન થયાની સ્પષ્ટતા કરી હતી.
આ સમગ્ર મામલે સુત્રોથી મળેલી જાણકારી મુજબ ધારાસભ્ય ઝાલાવાડિયા પાસે જે ટ્રક હતી તે તેમણે અન્યને વેચી દીધી હતી.જે ટ્રક 2016માં સીમાડા કેનાલ રોડ પર રોંગ સાઇડમાં પાર્ક હતી ત્યારે ડ્રાયવરે તે ટ્રકની લાઇટ ચાલુ રાખી ન હતી. જેના કારણે વરાછાની વિશાલ નગરમાં રહેતો હિરેન લિંબાણી નામનો યુવાન ટ્રકમાં ઘુસી ગયો હતો અને જેનું આ અકસ્માતમાં કરૂણ મોત થયું હતું.જે ઘટના અંગે કોર્ટમાં કેસ ચાલતા આ ટ્રક હજુ ધારાસભ્ય ઝાલાવડીયાની પત્નીના નામે જ બોલતો હોઈને કોર્ટે આ યુવાનના પરિવારજનોને નવ ટકાના વ્યાજ સાથે 15 લાખ રૂપિયા ચૂકવી દેવાનો આદેશ માર્ચ મહિનામાં જ કરી દીધો હતો.જોકે, કોર્ટના આદેશ છતાં તે રકમની ધારાસભ્ય દ્વારા ચુકવણી ન કરવામાં આવતા હવે કોર્ટે આ મામલે લાલા આંખ કરીને ધારાસભ્ય ઝાલાવડીયાની 24.75 લાખની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ધારાસભ્યની સંપત્તિ વેચીને રિકવરી કરવાનો આદેશ આપતા આ મામલો હાલ ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.જોકે, આ મામલામાં નામ ટ્રાન્સફર ન થવાના કારણે આવું થયું હોવાનું જણાવવામાં આવે છે પરંતુ, જાણકારોના મતે માર્ચ મહિનામાં આદેશ હોવા છતાં ચુકવણી ન કરવામાં આવતા કોર્ટની અવગણના થઇ છે અને એટલે જ કોર્ટે ધારાસભ્યની મિલ્કત જપ્ત કરવાનો આકરો આદેશ આપ્યો છે. હવે, અપીલમાં ગયા બાદ જોવાનું એ રહ્યું કે આ મામલે શું થાય છે…?
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત