
સુરત, 9 ઓકટોબર : રવિવારે સાંજે સુરતના કડોદરા ખાતે આપ દ્વારા આયોજિત જાહેર સભામાં સંબોધનની પૂર્વે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલઅને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન સભા સ્થળની બાજુમાં સ્થાપિત આકલામુખી હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં બન્ને નેતાઓએ હનુમાનજીના દર્શન કર્યા હતા અને , ગુજરાત અને દેશ દિન-પ્રતિદિન પ્રગતિ કરતો રહે અને સમગ્ર દેશના લોકો શાંતિપૂર્ણ અને સ્વસ્થ જીવન જીવે અને સમૃદ્ધ બને તેવી પ્રાર્થના કરી હતી.ત્યાર બાદ આ નેતાઓ સભા સ્થળે પહોંચ્યા હતા અને જાહેર સભામાં ઉપસ્થિત લોકો સમક્ષ સંબોધન કર્યું હતું.

કેજરીવાલે સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે અહીં પરિવર્તન માટે જેટલા પણ લોકો આવ્યા છે એ સૌનો આભાર માનું છું અને હું તે સૌને વચન આપુ છું કે ગુજરાતમાં સરકાર બન્યા પછી હું તમારા પ્રેમનું એક-એક ઋણ ચુકાવીશ, તમારા બાળકોનું ભવિષ્ય બનાવીશ.કાલે હું જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારે ભાજપવાળાએ મારી વિરુદ્ધ આખા ગુજરાતમાં પોસ્ટર લગાવી દીધા. તે મારી વિરુદ્ધ ગમે તે કરે, મને તેની સાથે કોઈ જ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર ઉપર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું. જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકો મારી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેઓએ ભગવાનને પણ છોડ્યા નથી અને અપશબ્દો લખીને ભગવાનનું અપમાન કર્યું છે. હું એક ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા મારા પર છે. બધી જ આસુરી અને રાક્ષસી શક્તિઓ મારી સામે વિરુદ્ધ એકઠી થઈ ગઈ છે. આ બધા કંસની ઓલાદ છે. આ બધા લોકો ભગવાનનું અપમાન કરે છે, ભક્તોનું અપમાન કરે છે, બધી જગ્યાએ ગુંડાગર્દી કરે છે, લફંગાઇ કરે છે, મારપીટ કરે છે, હું તેમને કહેવા માંગુ છું કે, મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત