ચેમ્બર દ્વારા સુરતના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનો આવકાર સમારોહ અને બંછાનિધિ પાનીનો વિદાય સમારોહ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 9 ઓક્ટોબર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે સુરત શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ (આઇ.એ.એસ.) માટે આવકાર સમારોહ અને બંછાનિધિ પાની (આઇ.એ.એસ.)ના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની કામગીરીને બિરદાવી તેઓને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ સુરતના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને આવકારી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ વન ઓફ ધ બેસ્ટ છે અને એની સર્વિસ ઘણી સારી છે. ગુજરાતમાં કોરોના સૌપ્રથમ સુરતમાં આવ્યો હતો ત્યારે એસએમસીના કર્મચારીઓએ સૌથી સારી કામગીરી કરી હતી. તે સમયે સુરતમાં માઈગ્રન્ટ લેબરના ઘણા પ્રશ્નો હતા. ઇન્ડસ્ટ્રી અને સુરતની સેવાભાવી સંસ્થાઓની મદદથી તેઓને 68 દિવસ સુધી સાચવી શક્યા હતા. આશરે 18 કરોડ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અઢી લાખ રોટલી રોજ મહિલાઓ બનાવી આપતી હતી. કોરોના હળવો થતા 750 સ્પેશ્યલ ટ્રેનો મારફત તેઓને વતન મોકલવામાં આવ્યા હતા. સુરતના લોકો બીજાની સંભાળ લેવા માટે ઝઝૂમ્યા હતા. આવું માત્ર સુરત શહેર જ કરી શકે છે. કોરોના કાળમાં ભારતમાં એકમાત્ર સુરતમાં જ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી અને પ્રોડક્શન થતું હતું. સુરતમાં રુપિયા 35000 કરોડના કામ ચાલી રહ્યા છે. સુરત, વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે. સૌથી સુંદર રીવર ફ્રન્ટ સુરતમાં થશે. સુરતના બ્રાન્ડીંગમાં ઉદ્યોગોનો સહકાર મળ્યો છે. પહેલા સુરતમાં 84 દેશના વાવટા ફરકતા હતા. આજે 209 દેશોના વાવટા ફરકી રહ્યા છે. સ્વચ્છતા અને સુંદરતા માટે સૌથી સારું શહેર સુરત છે. સુરત ગ્લોબલ સીટી બનશે તેઓ મને વિશ્વાસ છે.

સુરતના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત લાગણીશીલ શહેર છે. વર્ષ 2006માં રેલ વખતે સુરત આવી હતી ત્યારે મારી જવાબદારી સ્વચ્છતા માટેની હતી. રેલ વખતે વહીવટી તંત્ર તો ઠીક પણ સુરતના લોકો જે જોમ અને ઉત્સાહથી એકબીજાને મદદ કરતા હતા તે દાદ માંગી લે તેઓ હતો. મને લાગે છે કે સુરત શહેર એક દિવસ સિંગાપોરને પાછળ મૂકી દેશે. તેમણે કહ્યું કે, સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં એગ્રીકલ્ચર, ડેરી અને એમ.એસ.એમ.ઈ. સારી રીતે કામ કરી રહ્યું છે. અહી બિઝનેસનો ગ્રોથ થઇ રહ્યો છે. સરકાર પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપી રહ્યું છે ત્યારે સુરત શહેર ભારતની ઇકોનોમીમાં અગત્યની ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે. દેશમાં મુંબઈ અને સુરત આર્થિક સિટી બની રહી છે. સુરત બધાને લઈને ચાલે છે. અહી મીની ભારત વસે છે. સુરતમાં નૈતિકતા, એકતા અને ડાયવર્સીટી ચરિતાર્થ થાય છે. સુરતના લોકોની જીવનશૈલી પણ સિમ્પલ છે. અહીનું વાતાવરણ સુમેળભર્યું છે. સુરત હવે ઘણા બધા ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. સુરતમાં જેટલા પ્રોજેક્ટ હાથ ધરાયા છે તેને ઝડપથી પૂર્ણ કરીશું અને નવા ઇનિશિએટીવને આગળ વધારીશું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સમારોહમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનો પરિચય આપ્યો હતો. ભૂતપૂર્વ પ્રમુખ બી. એસ. અગ્રવાલે સુરતના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલનો પરિચય આપ્યો હતો. માનદ્ મંત્રી ભાવેશ ટેલરે બંછાનિધિ પાનીને આપવામાં આવેલા સન્માન પત્રનું વાંચન કર્યું હતું. ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસીએ સમારોહનું સંચાલન કર્યું હતું. સમારોહને અંતે ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની સમારોહનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *