
સુરત, 17 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો હેઠળ આયુષ્માન ભારત યોજના(PMJAY-MA) કાર્ડના 50 લાખથી વધુ લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરાયું હતું. જેના ભાગરૂપે બારડોલી સ્થિત સરદાર પટેલ ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના આયુષ્માન યોજનાના લાભાર્થીઓને પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. આ અવસરે વડાપ્રધાનનરેન્દ્રમોદીએ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં આયુષ્માન ભારત યોજના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ સાધ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે,આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય અને “મા” યોજના રાષ્ટ્રીય સ્તરે 23 સપ્ટે, 2018થી અમલમાં મુકવામાં આવી છે, આ યોજનાનો લાભ વાર્ષિક 4 લાખથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોના સભ્યોને તથા સીનીયર સીટીઝન માટે વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તેને તથા સામાજીક આર્થિક SECC (Socio Economic and Caste Census) 2011ની યાદીમાં નામ ધરાવતા પરિવારોના તમામ સભ્યોને લાભ મળે છે. આ યોજનામાં કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ.પાંચ લાખ સુધીની પ્રાથમિક, સેકન્ડરી તેમજ ગંભીર પ્રકારની કુલ 2711 નિયત કરેલ પ્રોસીજર માટે સરકાર માન્ય નોંધાવેલ સરકારી અને ખાનગી દવાખાનામાં મફત સારવાર આપવામાં આવે છે.આ માટે સરકાર તરફથી દરેક કુટુંબોના સભ્યોને PMJAY કાર્ડ આપવામાં આવ્યું છે. સુરત જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 4,71,335 કાર્ડ આપવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના અમલથી ગરીબોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે હોવાનું તેમણે જણાવ્યું હતું.આયુષ્માન ભારત યોજના અંતર્ગત અત્યાર સુધી સુરત જીલ્લામાં કુલ 4,28,427 લાભાર્થીઓની સારવારના કુલ રૂ.794 કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે. જેમાં ગત વર્ષના સુરત જિલ્લાના હૃદયના કુલ 8740 દર્દીને રૂ.58 કરોડ, કેન્સરના કુલ 21719 દર્દીને રૂ.43 કરોડ, ઘુટણના રીપ્લેસમેન્ટના કુલ 3269 દર્દીને રૂ.23 કરોડ ,કીડનીના કુલ 16936 દર્દીને રૂ.30 કરોડ અને મગજના કુલ 629 દર્દીને રૂ.3 કરોડનો લાભ આપવામાં આવ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત સુરત જિલ્લામા આરોગ્યને લગતી અન્ય સુવિધાઓ જેવી કે, નવા 8 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 28 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 101 પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમા તબદીલ કરવામા આવ્યા છે.ઉપરાંત 38 નવી એમ્બ્યુલન્સ, રસીકરણ માટે 5 ઇકો મારૂતી વાહન, લેબોરેટરી તપાસ માટે 18 સેલ કાઉન્ટર અને 22 બાયોર્કેમીસટ્રી ઓટો એનાલાઇઝરની સેવા ઉપલબ્ધ કરવામા આવી છે.સુરત જિલ્લા ખાતે 17 જેટલા ઓકસીજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. દરેક તાલુકા દિઠ 1 ડાયાલીસીસ સેન્ટર એમ કુલ 9 ડાયાલીસીસ સેન્ટરો શરૂ કરવામા આવ્યા છે. આ રીતે હાલની સરકાર દ્વારા આપણા જિલ્લા ખાતે આરોગ્યની તમામ સુવીધાઓ ઉપ્લબ્ધ કરવામા આવી છે, સરકાર લોકોના આરોગ્ય પ્રત્યે ખુબ જ સંવેદન શીલ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા,નગરપાલિકાના પ્રમુખ ફાલ્ગુબેન દેસાઇ,જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતારાકેશભાઇ પટેલ, આસિ.કલેકટર સ્મિત લોઢા તેમજ જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, આરોગ્ય વિભાગની ટીમ, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત