
સુરત, 17 ઓક્ટોબર : ‘આયુષ્માન ભારત: પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના’ અંતર્ગત કુટુંબના તમામ સભ્યોને, કુટુંબદીઠ વાર્ષિક પાંચ લાખની મર્યાદામાં તમામ સરકારી દવાખાનાઓ તથા સરકારમાન્ય ખાનગી દવાખાનાઓમાં સરકાર દ્વારા નિયત કરાયેલા ગંભીર રોગોની સારવાર નિ:શુલ્ક આપવામાં આવે છે, જેનો લાભ લઈને દેશના કરોડો નાગરિકોએ નિઃશુલ્ક સારવાર મેળવી છે. આવા જ એક લાભાર્થી કતારગામના વરિષ્ઠ નાગરિક બાબુભાઇ માંગુકિયાને આયુષ્માન ભારતની આયુષ્યરક્ષક જોગવાઈઓનો લાભ મળવાથી માંદગીની ખર્ચાળ સારવારના આર્થિક ભારણનો બોજ હળવો થતાં તેમનો પરિવાર રાહતની લાગણી અનુભવે છે.
મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધારના વતની અને હાલ કતારગામમાં રહેતા 70 વર્ષીય બાબુભાઇ જણાવે છે કે, મને ચાર મહિના પહેલા અચાનક પરસેવો વળ્યો અને ચક્કર આવ્યા, સાથે પગમાં ખાલી ચડી જતા તબીબી તપાસ કરાવી. જ્યાં તબીબે ફૂલ બોડી ચેક અપ કરતા ખ્યાલ આવ્યો કે મારી ત્રણ નળીઓ અનુક્રમે 85, 90 અને 95 ટકા બ્લોક થઈ ગઈ છે. જેથી તબીબે બાયપાસ સર્જરી જરૂરી હોવાનું નિદાન કર્યું.ઓપરેશન માટે પરિવારે લાલદરવાજા વિસ્તારની વિનસ હોસ્પિટલમાં દાખલ કર્યો. મારી પાસે આયુષ્માન કાર્ડ હોવાથી ઓપરેશનનો તમામ ખર્ચ સરકારે ઉપાડ્યો છે, મારી સર્જરી વિનામૂલ્યે થતા એક પણ રૂપિયાનું ભારણ મારા પર આવ્યું નથી એમ તેઓ અહોભાવથી જણાવે છે.આ યોજના વિના ખાનગી હોસ્પિટલમાં રૂ.અઢી લાખનો ખર્ચ થતો હોય છે, ત્યારે મને આયુષ્માન કાર્ડ દ્વારા એક પણ પાઈનો ખર્ચ કરવો પડ્યો નથી એમ તેઓ હર્ષપૂર્વક જણાવે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત