
સુરત, 19 ઓક્ટોબર : પરિવારમાં કોઈ સભ્યને અકસ્માત કે કોઈ ગંભીર માંદગીના સમયે તેની સારવારના મોટા ખર્ચને પહોંચી વળવા માટે આખો પરિવાર આર્થિક મુશ્કેલીનો ભોગ બનતો હોય છે. એક તરફ પરિવારજનની ઈજા કે માંદગી અને બીજી તરફ નાણાની વ્યવસ્થાનો અભાવ એમ બેવડો માર આખો પરિવાર સહન કરતો હોય છે, આવા સંજોગોમાં PM જનઆરોગ્ય યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશાનું કિરણ બની છે. આયુષ્માન ભારત યોજના સુરત જિલ્લાના આવા જ એક આદિવાસી ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના માલ્ધા ગામના 21 વર્ષીય યુવાન કુણાલ ચૌધરી ગત ડિસેમ્બર-2021માં બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો એ દરમિયાન રસ્તામાં ટેમ્પો સાથે ગાડી અથડાતા અકસ્માત સર્જાયો. ડાબા પગમાં ગંભીર ઈજા થતા તાત્કાલિક તેના પિતા નજીકના બારડોલી સરદાર હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા. પગમાં ફ્રેક્ચરની ગંભીર ઈજા થઈ હોવાથી વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં તેના પરિવારે દાખલ કર્યો. જ્યાં પગની સ્થિતિ જોઇને શરૂઆતમાં તબીબોએ પગ કાપવો પડશે તેમ જણાવ્યું. પિતા કમલેશ ચૌધરી આ વાત સાંભળતા જ ભાંગી પડ્યા. પરિવાર માટે આભ તૂટી પડ્યા જેવી દુઃખદ સ્થિતિ સર્જાઈ. એકનો એક લાડકવાયો દીકરો, નાની ઉંમર અને જો પગ કપાવવો પડે તો તેની આખી જિંદગી દોજખ બની જાય. પરિવારે તબીબોને કોઈપણ ભોગે પગ ન કાપવા અને સારી સારવાર આપી દીકરાને સાજો કરવા આજીજી કરી. તબીબોએ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી કૃણાલને સાજો કરવાનું બીડું ઉઠાવ્યું અને સ્નાયુ માટેનું વાસ્ક્યુલર ઓપરેશન કરવામાં આવ્યું.
ત્રણ-ચાર દિવસ બાદમાં હાડકાના ઓપરેશન માટે તાપી જિલ્લાની વ્યારાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં 21મી ડિસેમ્બર-2021ના રોજ પગના હાડકાનું ઓપરેશન કરીને પ્લેટ નાખવામાં આવી. પરંતુ હજુ કૃણાલની સમસ્યાઓનો અંત ન્હોતો આવ્યો. દસ દિવસ બાદ ફરી પગમાં ઈન્ફેકશન થતા ફરી પાછું ઓપરેશન કરાવવું પડે તેવી સ્થિતિ આવી પડી. ફરીવાર પ્લેટ રિમુવલનું ઓપરેશન કરાવ્યું. એક મહિના સુધી વ્યારાની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી. ગરીબ પરિવાર અને ખાનગી હોસ્પિટલોના તોતિંગ ખર્ચાઓ પોસાય ન હોવા છતાં દીકરાને સાજો કરવા આ પરિવાર કંઈ પણ કરવા તૈયાર હતો. આટલો ખર્ચ કરવા છતા ફરી ઓપરેશન કરાવવાની નોબત આવી. આવા સમયે પિતા કમલેશભાઈના ભાઈએ આયુષ્યમાન યોજના વિશે માહિતી આપીને વધુ સારવાર માટે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે કહ્યું. તત્કાલ કમલેશભાઈએ નજીક માંડવીની રેફરલ હોસ્પિટલમાં જઇને બધા ડોકયુમેન્ટ આપતા ત્રણ દિવસમાં કાર્ડ આવી ગયું.
આયુષ્માન કાર્ડ મળવાથી તા.16માર્ચ-2022ના રોજ વડોદરાની પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં ફરી બોન સિમેન્ટ નાખી અને એક્સટર્નલ ફિક્સેટરનું જટિલ ઓપરેશન કરાવ્યું. ત્યારબાર વધુ એક પ્લાન્ટીંગનું ઓપરેશન કરવાની જરૂર પડતા આ સર્જરી પણ થઈ.27મી ઓગષ્ટ-2022ના રોજ પ્લેટ અને બોન ગ્રાફટિંગનું ઓપરેશન કરાવ્યું. જેમાં જમણા પગની એક હાડકી ડાબા પગમાં નાખી અને કમ્મરની હાડકી લઈને પગમાં નાંખવામાં આવે છે) આમ, ચાર ચાર ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં વિનામુલ્યે થયા છે.
એક ગરીબ આદિવાસી પરિવારના દીકરાના ચાર ચાર ઓપરેશનો જો ખાનગી હોસ્પિટલમાં કરાવ્યા હોત તો અમારે મરણમૂડી સમાન જમીન-જાગીર વેચવાનો વારો આવ્યો હોત એવું કૃણાલના પિતા કમલેશ ચૌધરી અશ્રુભર્યા ચહેરે જણાવે છે. તેઓ કહે છે કે, ખાનગી દવાખાનામાં આ ઓપરેશનો માટે અંદાજીત રૂ.દોઢથી બે લાખ જેટલો માતબર ખર્ચ થાય એમ હતો. પણ મા-આયુષ્માન ભારત યોજના મારા દીકરા માટે સંજીવની બનીને આવી અને તમામ સર્જરી આ કાર્ડ માફરતે વિનામુલ્યે થઈ.
કમલેશભાઈ વધુમાં જણાવે છે કે, જો આ કાર્ડનો લાભ અમને મળ્યો ન હોત તો મારે શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લેવાની નોબત આવત. રાજ્ય અને કેન્દ્ર સરકારની આ યોજના અમારા જેવા હજારો ગરીબ પરિવારોને વ્યાજના વિષચક્રમાં ફસાતા બચાવ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત