પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા- ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા

રાજકીય
Spread the love

સુરત, 30 ઓકટોબર : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે.આ બન્ને નેતાઓએ છેલ્લા બે દિવસમાં પંચમહાલ, નવસારીના ચીખલી, નર્મદાના ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ સાથે ગઈકાલે કેજરીવાલ અને ભગવંત માનએ ગુજરાતમાં મુખ્યમંત્રીની પસંદગી માટે જનતા સમક્ષ એક નંબર પણ જાહેર કર્યો હતો.આજે આ બન્ને નેતાઓએ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જનસભાને સંબોધિત કરી હતી.આ સભા દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને સુરતના અલ્પેશ કથીરિયા- ધાર્મિક માલવિયા આપ માં જોડાયા હતા.તેમની સાથે હિતેશ જાસોલિયા, જીજ્ઞેશ વઘાસીયા, હિતુભાઈ, પંકજ છિદપરા અને પુષ્પકભાઈની સહિતના સમર્થકો પણ જોડાયા હતા.આગામી દિવસોમાં જયારે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પાસ ના આ બન્ને નેતાઓ આપ માં જોડાવાથી આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું ?

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ભાવનગરના પાલીતાણામાં ભારત માતા કી જય અને વલારામ બાપુ કી જયના નારા સાથે આયોજિત જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે હું ખૂબ જ ખુશ છું. આમ આદમી પાર્ટીનો પરિવાર ખૂબ જ વધી રહ્યો છે અને દિવસ-રાત પ્રગતિ કરી રહ્યો છે. સૌ પ્રથમ હું અલ્પેશઅને ધાર્મિકનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. બંને યુવા નેતાઓ છે અને ભારતનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. બંને સંઘર્ષશીલ નેતાઓ છે જેમણે યુવાનોના અધિકારો માટે લાંબી લડાઈ લડી છે અને જેલ પણ જઈ ચુક્યા છે. હું બંનેને આમ આદમી પાર્ટીના પરિવારમાં હૃદયપૂર્વક આવકારું છું. હું અત્યારે ભાવનગરથી આવ્યો છું, ત્યાં પણ કોળી સમાજના મોટા નેતા રાજુ સોલંકી અને તેમના પુત્ર બ્રજરાજ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હું તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આમ આદમી પાર્ટીની ઈમાનદારી અને કામ કરવાની નીતિથી ખુશ થઈને 10 કાઉન્સેલર પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. હું તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું.

        અલ્પેશ કથીરિયાએ જનતા સમક્ષ પોતાની વાત જણાવતા કહ્યું કે, આજે પાટીદાર અનામત આંદોલનને 7 વર્ષથી વધુ સમય થઇ ગયો છે. આટલા સમય પછી, અમે અમારી આખી ટીમ સાથે મળીને નક્કી કર્યું કે, આપણે કોઈ રાજકીય મંચ પર જઈને કંઈક કરી બતાવવું છે. આજે ગુજરાત અને દેશમાં સમાજ નિર્માણની સાથે રાષ્ટ્ર નિર્માણ માટે જો કોઈ ઉત્તમ પાર્ટી હોય તો તે આમ આદમી પાર્ટી છે. સમાજની લડાઈ, સ્વાભિમાનની લડાઈ, રાષ્ટ્રની લડાઈ, ઇમાનદારીની લડાઈ, સારા શિક્ષણ અને આરોગ્યની લડાઈ, ભય અને ભ્રષ્ટાચારની લડાઈ અને સારી શાસન વ્યવસ્થાની લડાઈ માટે લડવા માટે આપણે બધાએ એક થઈને આગળ આવવું પડશે. દેશમાં ઘણી બધી રાજકીય પાર્ટી છે. કેટલીક એવી પાર્ટીઓ પણ છે જેઓ ખરેખર પરિવર્તનની આશા રાખે છે. આજે આપણે સૌ આ જ આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન આવશે. સૌરાષ્ટ્રમાં કંઈક થાય તો તે સુરત જાય છે અને સુરતમાં કંઈક થાય છે તો સૌરાષ્ટ્ર જાય છે. તો આ જ કારણોસર મેં અને મારી ટીમે નક્કી કર્યું કે આપણે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પરથી રાજનીતિની શરૂઆત કરીશું. સંઘર્ષની લડાઈમાં અત્યાર સુધીમાં અમારી પર બે રાજદ્રોહ સહિત 22 થી વધુ કેસ નોંધાયા છે. 14 મહિનાથી વધુ અમે જેલની યાત્રા કરી છે. અમારા ઘણા બધા સાથીદારો સામે અસંખ્ય કેસ થયા છે. હાલના સમયે પણ સમાજના સાથિઓ, મહિલાઓ અને સમાજનાં બાળકો કોર્ટની તારીખો ભરી રહ્યા છે. ત્યારે અમે પણ ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં સારી સરકાર આવે અને પરિવર્તન આવે. પરિવર્તનની આ લહેરમાં અમે ખભેથી ખભા મળાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ.
                  પાલિતાણામાં આયોજિત આ જાહેરસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *