સુરત : ઓલપાડ તાલુકાનુ ભાંડુત ગામ ગુજરાતનું સૌ પ્રથમ ડિઝલ પંપ મૂકત ગામ બન્યું

સ્થાનિક
Spread the love

સુરત, 30 ઓકટોબર : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ભાંડુત ગામએ ગુજરાત રાજયનુ સૌપ્રથમ 100% સોલાર પંપ સંચાલિત ડિઝલ પંપ મૂક્ત ગામ બન્યું છે. આ સૌર ઉર્જા (સોલાર વોટર પંપ) સંચાલિત પરિયોજનાનું ઉદ્દઘાટન કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શકય બન્યું છે અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિચાઈ યોજના થકી.

ભાંડુત ગામ ખાતે આયોજીત કાર્યક્રમમાં મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ભાંડુત ગામ ડિઝલપંપમુકત બનવાથી ગામની 688 વીઘા ખેતીની જમીનમાં ખેતી કરતા 400 ખેડૂતો સીધો ફાયદો થયો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા 5-એચપીના પંદર પંપની સુવિધા અપાતા જમીન સિંચાઈયુક્ત બની છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ મૉડલને દર્શાવતી આ યોજના સાકાર થવાથી ખર્ચ અને સમયની બચત સાથે ખેડૂતોની આવકમાં વધારો થયો છે.પહેલા ભાંડુત ગામના ખેડૂતો ડીઝલથી ચાલતા મોટર પંપનો ઉપયોગ કરીને તળાવમાંથી સિંચાઈ કરીને ખેતી કરતા હતા. ગામના 401 ખેડુતો સામૂહિક રીતે ત્રણ તળાવોમાંથી સિંચાઈ માટે મહીને રૂ.9.13 લાખ તથા વર્ષે રૂ.1.10 કરોડના ડીઝલનો વપરાશ થતો હતો. આ યોજના સાકારિત થવાથી ખર્ચ શુન્ય થયો છે. માત્ર ગ્રામજનોને વર્ષે રૂા.9.50 લાખનો મેટેનન્સનો ખર્ચ થાય છે.ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં 4.77 લાખ લાભાર્થીઓને કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો એનાયત કરવામાં આવ્યા છે. કુદિયાણા અને સરોલીને જોડતા રસ્તાનુ નિર્માણ પણ કરવામાં આવ્યું છે. ઓલપાડ અને ચોર્યાસી તાલુકાને કરોડોના ખર્ચે જોડતો બ્રિજનુ નિર્માણ કરીને 44 કિ. મી.ના ચકરાવામાંથી મુકિત અપાવી છે.

યોજના વિશે વધુ વિગતો જોઈએ તો પ્રથમ ગ્રામજનોએ ભાંડુતના ગામના ત્રણ તળાવોને રાજય સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ ઉડા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અદાણી ફાઉન્ડેશન અને સુરત જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિંચાઈ યોજનાથી મદદથી બે વર્ષમાં ડીઝલથી સૌર ઉર્જાથી ચાલતા પંપમાં ટ્રાન્સફરને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. અદાણી ફાઉન્ડેશને ગામના ત્રણ તળાવોમાં સૌલાર પેનલો મુકવામાં આવી છે જયારે જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિચાઈ યોજનાથકી પાઈપ લાઈન નાખવામાં આવી છે. રૂ. 20લાખ શ્રમ કલાકોની બચત પણ થઈ છે. તદુપરાંત દર મહિને 3000 કામકાજના કલાકો અને વાર્ષિક 36000 કલાકોની બચત થઈ છે. બીજી ખાટલે મોટી ખોડ એ હતી કે, બધા ખેડૂતો આ પંપ ખરીદવા માટે સક્ષમ ન હતા અને તેથી આ પંપ તેમને ભાડે લેવા પડતા જેનાથી ખર્ચો પણ વધુ થતો હતો.જેમાંથી હવે મુકિત મળી છે.

આ પહેલનો એક મોટો આડકતરો ફાયદો એ થયો છે કે, કેટલીક ખેતીલાયક જમીનની ઉપયોગિતા વધી છે ડીઝલથી સૌર સુધીના સંક્રમણની પર્યાવરણ પર પણ સકારાત્મક અસર પડે છે. એક ગણતરી મુજબ ડીઝલ પંપને નાબૂદ કરવાથી ગામમાંથી પ્રતિ વર્ષ 269916 KG કાર્બનનું ઉત્સર્જન દૂર થયું છે. સોલાર વોટર પંપના અનેક ફાયદાઓ છે. તેનાથી દૂરના વિસ્તારોમાં સિંચાઈ થઈ શકે છે. પર્યાવરણને અનુકૂળતાની સાથે બળતણની કોઈ જરૂરિયાત રહેતી નથી. આજે ભાંડુત સફળ ટકાઉ કૃષિ ઇકોસિસ્ટમનું એક ઝળહળતું ઉદાહરણ બની ગયું છે અને માટે ભારતના અનેક ગામો માટે પ્રેરણારૂપ એક મોડેલ ગામ બન્યું છે.

આ યોજનાને સાકારીત કરવા માટે ભાંડુત ગામના જાગૃત ડે. સરપંચ હેમત પટેલે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે ઓલપાડ તાલુકાના કારોબારી સમિતિના અધ્યક્ષ મુકેશ પટેલ, સંગઠન પ્રમુખ બ્રિજેશપટેલ, ભાડુત ગામના સરપંચ ધનુ રાઠોડ, તાલુકા પંચાયતના સભ્ય પ્રિયંકાબેન, સંગઠનના મહામંત્રી કુલદિપ ઠાકોર, અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર.યુનિટ હેડ પ્રિયેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *