
સુરત, 1 નવેમ્બર : સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે, સોમવારે મોડી રાત્રીના શહેરના વેસુ વિસ્તારમાં શ્રમિક પરિવારની 2 વર્ષીય માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરવાની શરમજનક ઘટના બહાર આવી છે.શહેરના સિટી લાઈટ વિસ્તારમાં આવેલ અણુવ્રત દ્વાર પાસે ફૂટપાથ પર સુતેલા શ્રમિક પરિવારની સાથે 2 વર્ષીય બાળા સૂતી હતી.ત્યારે, નરાધમ ડમ્પર ડ્રાયવર તેને ઉપાડી ગયો હતો અને માસુમ સાથે દુષ્કર્મ આચર્યું હતું. પેટ્રોલિંગ પર નીકળેલી PCRમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલે પરિવારની તાતકાલિક મદદ કરી હતી અને આખરે નરાધમ ઝડપાઇ ગયો હતો.જોકે,આ ઘટનામાં બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓને કારણે તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેવા સંજોગો ઉભા થયા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર વેસુ વિસ્તારમાં અણુવ્રત દ્વાર પાસેની ફૂટપાથ પર બે વર્ષની બાળકી સાથે શ્રમિક પરિવાર સુતેલું હતું ત્યારે દુષ્કર્મના ઇરાદે મૂળ દેવરીયા યુપીનો રહેવાસી ડમ્પર ચાલક આરોપી સુરદીપ બાલકિશન માસુમ બાળાનું અપહરણ કરી ગયો હતો.માસૂમ દીકરીને ઉપાડી લઈ જનારનો શ્રમિક પરિવારેદોડીને પીછો પણ કર્યો હતો, પરંતુ નરાધમ બાળકીને લઈને ભાગી ગયો હતો.આ ઘટના ઘટી તે દરમિયાન જ વેસુ પોલીસ મથકની પેટ્રોલિંગ કરતી PCR વાન ત્યાંથી પસાર થઈ હતી. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈને પીસીઆરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ સુમિત્રાબેનએ કંટ્રોલરૂમમાં જાણ કરતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. મગદલ્લા કેનાલ રોડ પર બિનવારસી હાલતમાં ડમ્પર રસ્તા પર મળી આવ્યું હતું અને માસૂમ બાળકી પણ મળી આવી હતી.પોલીસે ડમ્પરના ડ્રાઇવરને પણ દબોચી લીધો હતો .જોકે, નરાધમે માસુમ સાથે દુષ્કર્મ આચરી લીધું હતું અને તે તેને મારી નાખવાની ફિરાકમાં હતો.પોલીસે નરાધમ ડ્રાઇવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત