
સુરત, 2 નવેમ્બર : મોરબી દુર્ઘટનાના દિવંગ્ત આત્માઓને શાંતિ અર્થે સુરત જિલ્લાની તમામ સરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓએ ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સરકારી કચેરીઓમાં મોરબી દુર્ઘટનાના દિવગંતોને બે મિનિટ મૌન પાળીને હતભાગીઓને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સૂરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર આયુષ ઓક, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, પ્રાંત અધિકારીઓ, મામતલદારો સહિતના અધિકારી-કર્મચારીઓએએ મોરબીના બ્રિજ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

સુરત જિલ્લાની જિલ્લા પંચાયતની કચેરી, જિલ્લાની પોલીસ વિભાગની કચેરીઓ, શહેર પોલીસ કમિશનરની કચેરી, તમામ મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયતની કચેરીઓ, નગરપાલિકાની કચેરીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સંયુકત રાજય વેરા નિરીક્ષકની કચેરીઓ, રોજગાર કચેરી, નાયબ નિયામકઅનુ.જાતી કલ્યાણની કચેરી, માર્ગ અને મકાન વિભાગની કચેરી, રેલ્વે વિભાગ સહિતની કચેરીઓમાં જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, અધિકારી-કર્મચારીઓએ બે મિનિટ મૌન પાળી પુલ દુર્ઘટનાના હતભાગીઓને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના કરી હતી. તેઓના પરિવારજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી.

આ ઉપરાંત સૂરત જીલ્લાની વિવિધ ગ્રામ પંચાયતો, આંગણવાડી કેન્દ્રો ખાતે પણ સરપંચો દ્વારા પ્રાર્થના સભા યોજીને દિવગંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત