સુરત : ચુંટણીને લગતી કોઈ પણ પત્રિકાઓ, પોસ્ટરો છપાવતા પહેલા ચુંટણીની જોગવાઈનું પાલન કરવાનું રહેશે

સ્થાનિક
Spread the love

સુરત, 4 નવેમ્બર : આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી તા.1 ડીસેમ્બર 2022નાં રોજ મતદાન યોજાનાર છે. જે સંદર્ભે સુરત જિલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓકે જિલ્લામાં આવેલા તમામ ખાનગી પ્રિન્ટીંગ પ્રેસ તેમજ પ્રકાશનના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ/પેઢીઓએ મુદ્રણ અને પ્રકાશન સંદર્ભે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ,1951ની જોગવાઈને આધારે કામગીરી કરવા અંગે ચૂંટણીલક્ષી માર્ગદર્શિકાનું પાલન કરવા ફરમાન જાહેર કર્યું છે.
વિધાનસભાની ચુંટણીમાં જે અનુસાર રાજકીય પક્ષો,ખાનગી વ્યક્તિઓ કે ઉમેદવારો દ્વારા ચૂંટણીને લગતી જે પત્રિકાઓ અથવા પોસ્ટરો ઉપર તેના મુદ્રક અને પ્રકાશકનું નામ અને સરનામા ન હોય એવી કોઇપણ પત્રિકા અથવા પોસ્ટર છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહિ અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહિ.વધુમાં કોઇપણ વ્યક્તિએ જ્યાં સુધી તેના પ્રકાશકની ઓળખ વિશેના પોતે સહી કરેલા અને પોતાને અંગત રીતે ઓળખતા હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલા એકરારની બે પ્રતો મુદ્રકને આપી ન હોય ત્યાં સુધી ચૂંટણી પત્રિકાઓ અથવા પોસ્ટરો છપાવી કે છાપી શકશે નહિ. આવા પોસ્ટરો/પત્રિકાઓ છપાઇ ગયા પછી દિન-3માં મુદ્રકે તે પોસ્ટર પત્રિકાની એક નકલ સાથે એકરારની એક નકલ અત્રેના જિલ્લામાં એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલ ખાતે નિયુક્ત કરાયેલા જિલ્લા આંકડા અધિકારીને મોકલી આપવાની રહેશે. આ જોગવાઈઓનો ભંગ કરવા બદલ વ્યક્તિઓ/ પેઢીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે જેથી જિલ્લાના પ્રકાશક/મુદ્રણના ધંધા સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓએ ઉકત જોગવાઈઓનું પાલન કરવા જીલ્લા મેજીસ્ટ્રેટ સુરતની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *