સુરત : પ્રભુતામાં પગલા પાડી રહેલા 100 નવદંપતિઓને રાજ્યપાલ દેવવ્રતએ પાઠવ્યા આશીર્વચન

સ્થાનિક
Spread the love

સુરત, 5 નવેમ્બર : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સુરતના અબ્રામા રોડ, ગોપીન ગામ ખાતે તળાજા-મહુવા લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત પ્રાકૃત્તિક કૃષિ અને 31મા સમૂહ લગ્ન સમારોહમાં સહભાગી બન્યા હતા. રાજ્યપાલએ પ્રભુતામાં પગલાં પાડી રહેલા 100 નવદંપતિઓને આશીર્વચન પાઠવી સુખી અને મંગળમય દામ્પત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજ્યપાલએ માનવજીવનમાં ચાર આશ્રમ પૈકી ગૃહસ્થાશ્રમનું મહત્વ વર્ણવતા ઉમેર્યું કે, સૌથી ઉત્તમ ગૃહસ્થાશ્રમનું સહજીવન સમાજને ઉન્નત બનાવવામાં મુખ્ય ભૂમિકા અદા કરે છે. આજે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી રહેલા યુગલો સ્વયં નિર્વ્યસની, સંસ્કારી બની પરિવારજનો, સમાજના અન્ય નાગરિકોને પણ વ્યસનમુક્ત અને ઉચ્ચ આચાર-વિચારથી સજ્જ બનાવવા અનુરોધ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં ધરતીને માતાનું બિરૂદ આપવામાં આવ્યું છે, ત્યારે ભૂમિપુત્ર સંતાનોએ રસાયણો અને ડી.એ.પી., યુરિયા ખાતરનો છંટકાવ કરીને ધરતીમાતાને મૃત:પ્રાય કરવાનું અધર્મકાર્ય ક્યારેય ન કરવું એમ ભારપૂર્વક જણાવતાં રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું કે, કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણીય સમસ્યાને હળવી કરવામાં ઉપસ્થિત સૌને ઉત્સાહથી જોડાવા તેમજ દેશની માટી-ભૂમિને ઝેરી રસાયણોથી બચાવવાનો સહુ સંકલ્પ લે એવું આહવાન કરું છું.

ભૂમિના જતન-સંરક્ષણ સાથે ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે એમ જણાવતાં જાગૃત સમાજે આજે લગ્ન સમારોહમાં પણ પ્રાકૃતિક કૃષિને સાંકળવાનું ઉમદા અને સરાહનીય પગલું ભર્યું છે, જે બદલ આયોજકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા તળાજા-મહુવા લેઉવા પટેલ સમાજના પ્રમુખ સી.એમ. લાખણકીયાએ સમાજની સેવા, સંગઠન અને સહકારની ભાવના મજબૂત થઈ રહી છે, જેના હકારાત્મક પરિણામો મહુવા તળાજા પટેલ સમાજને મળી રહ્યા છે એમ જણાવી ખેતી આપણો મૂળ વ્યવસાય હોવાથી ઋષિ અને પ્રાકૃતિક કૃષિ સંસ્કૃતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખ કાનજી ભાલાળા, સમાજ અગ્રણી લવજી ડાલીયા, રાકેશ દુધાત, નાનુ વાનાણી, મોટી સંખ્યામાં સમાજબંધુઓ, નવદંપતિઓ, આયોજકગણ અને સાજન માજન ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *