
સુરત, 9 નવેમ્બર: ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ટ્વિટર દ્વારા ગુજરાત ચૂંટણી માટે મહત્વની માહિતી આપતા ટ્વીટ કર્યું કે, “રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને કરંજ વિધાનસભાથી ગુજરાતની જનતા ચૂંટણી લડાવશે, હું બંને યુવાનોને મારી શુભેચ્છા પાઠવું છું.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તથા કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ આજે મારા જેવા એ સાધારણ યુવાનને અને નાના પરિવારના વ્યક્તિને ખૂબ જ મોટી જવાબદારી સોંપી છે, એ બદલ હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો તથા નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીનો આભાર માનું છું. અમારા હજારો-લાખો કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત બનાવી છે. આજે મજબૂત પાર્ટીના એક ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે, એ બદલ હું કાર્યકર્તાઓનો આભાર માનું છું. ખાસ કરીને કતારગામ વિધાનસભાની અંદર જ્યારે લોકોને જાણકારી મળી કે મારા નામની પસંદગી થઈ છે, ત્યારથી લોકોએ ફોન અને મેસેજ કરીને પોતાનો જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે અને શુભેચ્છાઓ પણ આપી છે. આજે હું ભગવાનના આશીર્વાદ લઈને એક સારી શરૂઆત કરવા જઈ રહ્યો છું. મારામાં ખૂબ જ ઉત્સાહ છે, કાર્યકર્તાઓમાં ખુશી છે, ઈશ્વરના આશીર્વાદ અમારી સાથે છે અને કાર્યકર્તાઓનો પ્રેમ અમારી સાથે છે. તો મને પૂરો વિશ્વાસ છે કે કતારગામમાં અને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિજય થશે.

ગોપાલ ઇટાલિયા સાથે આજે અરવિંદ કેજરીવાલ દ્વારા કરંજ વિધાનસભાથી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાનું પણ નામ જાહેર કરવામાં આવ્યું છે.મનોજ સોરઠીયા સાથે ‘આપ’ સુરત ટીમના કાર્યકર્તાઓ કરંજના સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં મનોજ સોરઠીયાનું ઢોલ-નગારા સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમણે ફૂલહાર ચડાવી, પૂજા અર્ચના કરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભા ઉમેદવાર મનોજ સોરઠીયાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, કરંજ વિધાનસભાથી મનોજ સોરઠીયા ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આગળ વધી રહી છે લોકોની આશા અને વિકલ્પ બની રહી છે. કરંજ વિધાનસભા એ એક એવી વિધાનસભા છે જે સુરતની અંદર વિકાસથી વંચિત રહી છે. અહીંયા લોકોને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવ્યા છે. વોટ આપવા છતાં પણ કરંજ વિધાનસભામાં દૂર દૂર સુધી વિકાસ દેખાતો નથી. એવા સમયની અંદર કરંજ વિધાનસભાની જવાબદારી મને આપવામાં આવી છે તે મારા માટે ખૂબ ગર્વની વાત છે. મારા પર જે વિશ્વાસ કર્યો છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કરંજની જનતા આ પરિવર્તનની સાથે જોડાઈ રહી છે અને મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ભરોસો છે. આવનારા પાંચ વર્ષમાં આમ આદમી પાર્ટી વતી હું કરંજ વિધાનસભાના લોકોને સંપૂર્ણ રીતે યોગ્ય ન્યાય મળે, પ્રાથમિક સુવિધા મળે, અહીંના લોકોની સુખાકારી માટે સતત કામ કરતો રહીશ.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત