સુરત : ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતા પહેલા વાહન રજિસ્ટર કરાવવા આદેશ

સ્થાનિક
Spread the love

સુરત, 9 નવેમ્બર : વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જરૂરી નિયંત્રણો મૂક્યા છે.
જાહેરનામા અનુસાર સુરત જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં ચૂંટણીપ્રચાર ઝુંબેશ થઈ રહી છે, ત્યારે તેમાં મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઈ વ્યક્તિ, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે માટે આ જાહેરનામા મુજબ અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવારને કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી પાસે રજિસ્ટર કરાવવાના રહેશે. પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી. રજિસ્ટર કરાવેલ વાહનની પરમીટ મેળવી વાહનોની વિન્ડસ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. વગર પરવાનગીએ વાહનમાં લાઉડસ્પીકરથી ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં. આ જાહેરનામું તા.10/12/2022 સુધી અમલમાં રહેશે, જેથી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *