
સુરત,10 નવેમ્બર : ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે.વિવિધ રાજકીય પક્ષો દ્વારા રાજ્યની વિવિધ વિધાનસભાના ઉમેદવારોને જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે, જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવી રાજ્યની 182 વિધાનસભાની બેઠકો પૈકી 160 સત્તાવાર ઉમેદવારોની જાહેરાત ભાજપ દ્વારા કરી દેવામાં આવી છે અને હજુ 22 બેઠકો પરના સત્તાવાર ઉમેદવારોની ઘોષણા કરવાની બાકી છે…ગણતરીની સમયમાં આ બેઠકોના ઉમેદવારોની ઘોષણા કરવામાં આવે તેવી સંભાવના છે.ત્યારે, રાજ્યની આર્થિક રાજધાની મનાતા અને રાજકીય ક્ષેત્રનું મહત્વપૂર્ણ એપી સેન્ટર ગણાતા સુરતની 12 વિધાનસભા પૈકી 11 વિધાનસભાના સત્તાવાર ઉમેદવારોની ભાજપા દ્વારા ઘોષણા કરી દેવામાં આવી છે.જયારે ચોર્યાસી વિધાનસભા બેઠક પરના ઉમેદવારની ઘોષણા કરવાની હજુ બાકી છે.
ભાજપ દ્વારા જે 11 વિધાનસભાના સત્તાવાર ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી છે તે મુજબ 155 -ઓલપાડમાં મુકેશ પટેલ ( મંત્રી), 158-કામરેજમાં પ્રફુલ્લ પાનસેરીયા, 159 -સુરત પૂર્વમાં અરવિંદ રાણા,160 -સુરત ઉત્તરમાં કાંતિ બલર, 161- વરાછા રોડમાં કુમારભાઇ કાનાણી,162-કરંજમાં પ્રવીણ ઘોઘારી ,163-લિંબાયતમાં સંગીતા પાટીલ ,164 ઉધનામાં મનુ પટેલ ( ફોગવા), 165 -મજુરામાં હર્ષ સંઘવી ( મંત્રી),166 કતારગામમાં વિનોદ મોરડિયા ( મંત્રી),167- સુરત પશ્ચિમમાં પુર્ણેશ મોદી ( મંત્રી)ના નામોની ઘોષણા કરવામાં આવી છે.હજુ ચોર્યાસી બેઠક પરના કોઈ નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.આ બેઠક પરથી સીટિંગ ધારાસભ્ય ઝંખના પટેલનું પત્તુ કપાશે કે પછી તેને રિપીટ કરવામાં આવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.બીજી તરફ સુરત મનપામાં હાલના શાસકપક્ષના નેતા અમિતસિંહ રાજપૂત આ બેઠક પરના સૌથી પ્રબળ દાવેદાર છે અને તેમને જ પક્ષ ટિકિટ આપશે તેવું ચર્ચાઈ રહ્યું છે..જે હોય તે હાલ તો 11 વિધાનસભાના ઉમેદવારોની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવતા હવે ભાજપમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે અને હવે ઉમેદવારો ફોર્મ ભરવા, કાર્યાલયો ખોલવા અને ચૂંટણી પ્રચારની કામગીરી શરૂ કરવાની દોડધામમાં પડી ગયા છે.બીજી તરફ ગુજરાતની 22 વિધાનસભાના ઉમેદવારોની જાહેરાત આવતીકાલે શુક્રવારે બપોરે થવાની હોવાનું ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે, સુરતની ચોર્યાસી વિધાનસભા માટે ઉમેદવાર કોણ હશે તે માટે રાહ જોવી રહી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત