
સુરત, 10 નવેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આંત્રપ્રિન્યોરશિપ લોન્જ સિઝન 5 એપિસોડ 2 ના ભાગરૂપે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘આઇટીપ્રિન્યોર્સ’ વિષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે ધીવાઇસના કો–ફાઉન્ડર એન્ડ સીઇઓ વિશાલ વિરાણી અને ઇઝી ટેકનોસિસ પ્રા. લિ.ના કો–ફાઉન્ડર વિપુલ કપુર દ્વારા ઉદ્યોગ સાહસિકોને આઇટી ક્ષેત્રમાં ઝંપલાવી સફળ થવાની દિશામાં મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, મનમાં આઇડિયા આવે અને એને અમલમાં મૂકવામાં આવે ત્યારે એ આઇડિયા વ્યકિતને એક લેવલ સુધી લઇ જાય છે. જીવનમાં કોઇપણ ક્ષેત્રે સફળ થવા માટે રિસ્ક લેવું પડે છે અને ત્યારે જ વ્યકિત સફળ થાય છે અને નામના પણ મેળવે છે. આથી, તેમણે યુવા ઉદ્યોગ સાહસિકોને ધ્યેય ઊંચું રાખવાની સલાહ આપી હતી. ધ્યેય ઊંચું હશે તો સફળતા પણ એટલી જ ઊંચી મળશે તેમ તેમણે જણાવ્યું હતું. વિપુલ કપુરે જણાવ્યું હતું કે, જીવનમાં જે પણ લક્ષ્ય રાખ્યું તેને હાંસલ કર્યું છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો ત્યારે ગોલ્ડ મેડાલિસ્ટ થવું હતું તો એના માટે મહેનત કરી અને ગોલ્ડ મેડાલિસ્ટ બન્યો. આઇટીમાં અભ્યાસ કર્યા બાદ વડોદરામાં છ મહિના નોકરી કરી પણ કેટલાક કારણોસર ફરી સુરત આવ્યો. તે સમયે બેંગ્લોરમાં મોટી – મોટી કંપનીઓમાં હાય સેલેરીએ નોકરીની વિપુલ તકો હતી, પરંતુ આઇટી ક્ષેત્રે સુરતમાં જ કંઇક કરી છુટવાની ભાવનાએ પોતાની કંપની ડેવલપ કરવાની દિશામાં મને પ્રેરણા આપી અને હું આગળ વધ્યો.
આઇટી ક્ષેત્રે કેટલાક પ્લેટફોર્મ ઉપર ગભરામણ પણ થતી હતી, પરંતુ આગળ વધવાની ચાહે મહેનત કરાવીને સફળતા અપાવી. પાર્ટનર હિતેશ સાથે મળીને આઇટી કંપની બનાવી અને એને એક ઊંચાઇ સુધી લઇ ગયા. કંપનીમાં ફાઉન્ડર, કો–ફાઉન્ડર, સીઇઓ, કર્મચારીઓ અને ગ્રાહકો એમ દરેકનો વિચાર કરીને આગળ વધવું જોઇએ. તેમણે કહયું કે, જીવનમાં ગમે ત્યાંથી અને ગમે ત્યારે શરૂઆત કરી શકાય છે. તેઓ એવું માને છે કે આખું વિશ્વ ગોળ છે અને એમાં અશકય કશું જ નથી. આથી તેઓએ પાંચ વર્ષમાં આઇટી ક્ષેત્રે ઊંચાઇ હાંસલ કર્યા બાદ કંપનીમાંથી બહાર નીકળી ફરીથી નવી શરૂઆત કરવાનું નકકી કર્યું છે. તેમણે પોતાનો અનુભવ વ્યકત કરી વિદેશની આઇટી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરતી વખતે બધી બાબતોને ચકાસીને આગળ વધવાની સલાહ આપી હતી.
વિશાલ વિરાણીએ જણાવ્યું હતું કે, પહેલા તો ડોકટર બનવાનું વિચાર્યું હતું. ત્યારબાદ મિકેનિકલ એન્જીનિયર અને ગોલ્ડ મેડાલિસ્ટ બનવાનું વિચાર્યું પણ બની નહીં શકયો. આથી, જીવનમાં આઇટી ક્ષેત્ર હોય કે ભલે ગમે તે ક્ષેત્રે નવું સાહસ કરવાનું વિચારતા હશો તો પહેલા ‘વ્હાય’ કલીયર હોવો જોઇએ. એટલે કે શા માટે નવું સાહસ કરવું છે ? તે બાબત સ્પષ્ટ હોવી જરૂરી છે. ‘વ્હાય’ કલીયર થયા બાદ તેની અસરો, તેનું વળતર અને ખોટી દિશામાં પ્રયાસ નથી કરી રહયા ને ? તેના વિષે ચોકકસ વિચારીને આગળ વધવું જોઇએ. તેમણે જ્યારે આઇટી કંપની શરૂ કરી ત્યારે તેઓ માત્ર સર્વાઇવ થઇ શકે એવો તેમનો હેતુ હતો. કંપનીના વિઝન અને મીશન વિષે વિચાર્યું જ ન હતું.પરંતુ કંપની માટે અથવા સ્ટાર્ટ–અપ માટે ફંડ મેળવવા માટે ટેકિનકલી ગ્રોથ જરૂરી છે. ટેકિનકલી ગ્રોથ કરશો તો જ ફંડ મળી શકે છે. સ્કીલને આધારે મોટું ફંડ મળવું મુશ્કેલ છે. ઘણા સ્ટાર્ટ–અપ્સના આઇડિયા સારા હોય છે પણ તેઓને સફળ થવા માટે ઇકો સિસ્ટમનો સહકાર મળવો જરૂરી હોય છે. તેમણે જ્યારે સ્ટાર્ટ–અપ કર્યું ત્યારે ફંડ મેળવવું તેમના માટે પણ ઘણું મુશ્કેલ હતું. પરંતુ જે વ્યકિતએ તેમને ફંડ આપ્યું એવી વ્યકિતને તેઓ કયારેય ભૂલ્યા નથી. આજે તેમની કંપની રૂપિયા 80 કરોડ સુધીનું ફંડ રેઇઝ કરવા સુધી પહોંચી ગઇ છે અને ઘણા જાણીતા ઉદ્યોગપતિઓ પાસેથી તેઓએ ફંડ રેઇઝ કર્યું છે.
ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન સંજય પંજાબીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને કો–ચેરમેન ડો. રાકેશ દોષીએ કાર્યક્રમનો સાર રજૂ કર્યો હતો. કમિટીના સભ્ય ચેતન પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં બંને નિષ્ણાતોએ આઇટીપ્રિન્યોર્સના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા. ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત