
સુરત, 18 નવેમ્બર : સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયુ છે ત્યારે શુક્વારે કાર્પેટ બોમ્બિંગના ભાગ રૂપે ભાજપા દ્વારા રાજ્યની તમામ વિધાનસભાઓમાં એરાઉન્ડ ધ ક્લોક પ્રચાર કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે સુરત શહેરમાં શુક્રવારે 10 વિધાનસભામાં દેશ અને પ્રદેશના 9 દિગજજોએ વિરાટ જન સંમેલનને સંબોધન કર્યું હતું. આ ઉપક્રમમાં શુક્રવારે સાંજે સુરત શહેરની ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના ભાજપાના લોકપ્રિય અને કર્મઠ ઉમેદવાર સંદીપભાઈ દેસાઈના સમર્થનમાં ગોડાદરા સ્થિત ખોડિયાર ચાર રસ્તા વિરાટ જન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંમેલનને ઉત્તરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી અને બુલડોઝર બાબા તરીકે પ્રસિદ્ધ યોગી આદિત્યનાથએ સંબોધન કર્યું હતું. હૈયે હૈયું દળાય તેટલી વિશાળ જન મેદનીને માર્ગદર્શન આપતા યોગી આદિત્યનાથએ તેમના સંબોધનની શરૂઆતમાં ” ભારત માતા કી જય ” અને ” વંદે માતરમ ” નો જયઘોષ કર્યો હતો. સમગ્ર વાતવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું. તેમના સંબોધનમાં તેમણે સંદીપભાઈને જંગી બહુમતીથી જીતાડવા ઉપસ્થિત વિરાટ જનમેદનીને આહવાન કર્યું હતું.

પોતાના સંબોધનમાં આદિત્યનાથએ જણાવ્યું હતું કે ગુજરાતની આર્થિક રાજધાની મનાતા સુરત શહેરની ધરતીને વંદન કરતા આપ સૌને અભિનંદન આપું છું.ટૂંકા સમયમાં મળેલી સૂચના છતાં આટલી વિશાળ સંખ્યામાં આપની ઉપસ્થિતિ જ દર્શાવે છે કે પીએમ મોદી પ્રત્યે આપ સૌ કેટલું સન્માન ધરાવો છો.ગુજરાત એ સુરક્ષા,સમૃદ્ધિ, સુશાસનનું મોડેલ રાજ્ય છે.આઝાદી પૂર્વે દેશ જયારે અસમંજસની સ્થિતિમાં હતો ત્યારે ગુજરાતના બે સપૂતો મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે જ નેતૃત્વ પૂરું પાડીને દેશને આઝાદી અપાવી હતી.આઝાદી સમયે દેશના 563થી વધુ રજવાડાઓનું એકીકરણ કરી સરદારે દેશને એકસૂત્રમાં જોડ્યું હતું.આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા દૂરંદેશી પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતનું સમગ્ર વિશ્વમાં ગૌરવ વધ્યું છે.આઝાદીના અમૃત મહોત્સવે પીએમના હર ઘર તિરંગા અભિયાનને લઈને દેશના સૌ નાગરિકોએ ગૌરવ અનુભવ્યું હતું. ‘ મોદી હૈ તો મુમકીન હૈ ‘ 500 વર્ષ બાદ આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાનું ભવ્ય મંદિર તેમના પ્રયાસોના કારણે નિર્માણ થઇ રહ્યું છે અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.

યોગી આદિત્યનાથએ પોતાના સંબોધનમાં પરોક્ષ રીતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.તેમણે સોમનાથ, કાશી વિશ્વનાથ, બદ્રીનાથ, કેદારનાથ ઉજ્જૈનના મહાકાલના ભવ્ય મંદિરોના નિર્માણ માટે તેમજ દેશને વિશ્વની 5મી અર્થ વ્યવસ્થા બનાવવા માટે મોદીની પ્રશંસા કરી હતી. જમ્મુ કાશ્મીરમાંથી 370મી કલમ રદ કરવાની અને કોરોના દરમિયાન સરકારની કામગીરી તેમજ ભાજપાના કાર્યકર્તાઓની સેવાઓ અને વેક્સિનેશનના કાર્યક્રમ અંગે પણ પીએમ મોદીની નીતિની સરાહના કરી હતી.સુરત મનપાની શ્રેષ્ઠ કામગીરીની પ્રશંસા કરતા તેમને સુરતમાં ડબલ નહીં પરંતુ ટ્રિપલ એન્જીન કાર્યરત હોવાનું જણાવ્યું હતું.ઉત્તરપ્રદેશમાં અસામાજિક તત્વો સામે બુલડોઝર હમેશા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

સંમેલનના અંતમાં તેમણે ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના ભાજપાના લોકપ્રિય ઉમેદવાર સંદીપભાઈ દેસાઈને જંગી લીડથી જીતાડવા લોકોને આહવાન કર્યું હતું.ઉપસ્થિત જનમેદનીએ બે હાથ ઊંચા કરી દેસાઈને જીતાડવાનો કોલ આપ્યો હતો.
સંમેલનની શરૂઆતમાં ઉત્તરપ્રદેશના સ્વર્ગીય મુખ્યમંત્રી કલ્યાણસિંહના સુપુત્ર રાજવીરસિંહએ સંબોધન કરી સંદીપભાઈ દેસાઈની જીત નિશ્ચિત છે અને તેઓ ધારાસભ્ય બની ગયા છે તેમ જણાવી અભિનંદન આપ્યા હતા.

આ સંમેલનમાં શહેર ભાજપા અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા,મહામંત્રી કિશોરભાઈ બિંદલ , ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત સહિત સંગઠનના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર સંમેલન દરમ્યાન લોકોનો સ્વયંભૂ ઉત્સાહ જોવા મળ્યો હતો.યોગી આદિત્યનાથની એક ઝલક જોવા માટે તેમને સાંભળવા માટે અભૂતપૂર્વ જનમેદની ઉમટી પડી હતી.ગોડાદરાના આ વિરાટ જન સંમેલનમાં ઉમટેલા વિશાલ જનસમુદાયને લઈને વિરોધી કેમ્પમાં સોપો પડી ગયો છે. દેસાઈની જીત નિશ્ચિત હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.ત્યારે આગામી દિવસોમાં ચોર્યાસીમાં ફરી એક વાર કેસરિયો લહેરાશે તેવા અણસારો મળી રહ્યા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત