સુરત, 22 નવેમ્બર : કોંગ્રેસના રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પર આકરા પ્રહાર કરતાં આજે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની આ યાત્રા ખરા અર્થમાં ભારત તોડો યાત્રા છે. આગામી વિધાનસભા ચુંટણીના ધમધમાટ વચ્ચે આજે સુરતની મુલાકાતે પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર એક પછી એક શાબ્દિક પ્રહારો કરતાં આદિવાસીઓના હિત માટે ભાજપ હરહંમેશ સમર્પિત હોવાનું જણાવ્યું હતું. તેઓએ આદિવાસીઓના વિકાસ માટે ભાજપ દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોનો ચિતાર આપતા જણાવ્યું હતું કે આઝાદીના અમૃતકાળમાં પહેલી વખત દેશને આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યા છે.
એક પછી એક કાર્યક્રમો વચ્ચે આજે સુરત પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ગુજરાતના વિકાસની ભરપેટ પ્રશંસા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાના આર્શીવાદથી જ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે. એક તબક્કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પાણીનો દુકાળ જોવા મળતો હતો જે હવે ભુતકાળ બની ચુક્યું છે. આજે સમગ્ર રાજ્યમાં 97 ટકા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી નળ થકી મળી રહ્યું છે. વિકાસની હરણફાળમાં સૌથી આગળ રહેલા ગુજરાતે ખરા અર્થમાં વિકાસને આત્મસાત કર્યો છે. રાજ્યમાં રોજગારથી માંડીને ઉજ્જવલા યોજનાના વખાણ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આજે 36 લાખ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસના સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઉધના ખાતે સુરત શહેર ભાજપ કાર્યાલય પર આયોજીત પત્રકાર પરિષદ દરમ્યાન સંબિત પાત્રાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની નીતિ- રીતિ વિરૂદ્ધ સખ્ત શબ્દોમાં ટિપ્પણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આજે ખુદ રાહુલ ગાંધીને તેમના નેતાઓ જ સાંભળતા નથી. ગઈકાલે રાહુલ ગાંધીની જાહેર સભા દરમ્યાન ખુદ ભરત સિંહ સોલંકીએ રાહુલ ગાંધીના ટ્રાન્સલેટર તરીકે અધવચ્ચેથી હડસેલી દેવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાહુલ ગાંધીને ગમે તેટલી વાર લોન્ચ કરવાનો પ્રયાસ કરે પરંતુ તેમના ફ્યુલ જ નથી.કોંગ્રેસ હજી પણ તૃષ્ટિકરણની રાજનીતિ જ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું .
ગુજરાત અને ઓરિસ્સા વચ્ચેના અતૂટ સંબંધ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, ઓરિસ્સાના પુરીની સાથે – સાથે ગુજરાતમાં નીકળતી રથયાત્રા ખરા અર્થમાં ઐતિહાસિક છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રાનું સમગ્ર દુનિયામાં ધાર્મિક દ્રષ્ટિએ અદકેરૂં સ્થાન છે ત્યારે ઓરિસ્સાના પુરી બાદ સમગ્ર દેશમાં અમદાવાદ ખાતે સૌથી વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. લાખ્ખો શ્રદ્ધાળુઓ અને ભક્તોના ઘોડાપુર વચ્ચે યોજાતી આ રથયાત્રા જ ઓરિસ્સા સાથે ગુજરાતના સંબંધને વધુ પ્રગાઢ કરી હોવાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત