
સુરત, 7 ડિસેમ્બર : મા ભોમની રક્ષા માટે દિન-રાત ખડેપગે રહી દેશના સીમાડાઓની સુરક્ષા કરનારા વીર જવાનો તથા તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાંના અવસર ‘તા.7મી ડિસે.-સશસ્ત્ર સેના ધ્વજ દિન’ નિમિત્તે સૈનિક કલ્યાણ નિધિમાં સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે પોતાનો વ્યક્તિગત ફાળો આપીને જવાનો પ્રત્યે ઋણ અદા કર્યું હતું.
કલેક્ટરએ દેશના સીમાડાઓથી માંડીને પૂર-વાવાઝોડા-ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓના સમયે નાગરિકોના જાન-માલના બચાવ અને રાહતની કામગીરી કરનારા વીર જવાનો તથા તેમના પરિવારોના કલ્યાણ માટે આર્થિક યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની પરવા કર્યા વિના દેશના સિમાડાઓ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર, કાયદો અને વ્યવસ્થાની જાણવણી તેમજ કુદરતી આપદાઓની પરીસ્થિતિઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડેપગે રહેતા આપણા સૈનિકો અને પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના કુટુંબીજનો પ્રત્યે ઋણ અદા કરવું એ આપણી નૈતિક જવાબદારી છે.ગત વર્ષે સૌની અથાક મહેનત અને સેવાભાવનાથી રૂ.70.55 લાખનું ભંડોળ એકત્રિત કરી સુરત જિલ્લાએ રાજ્યભરમાં સૌથી વધુ ફાળો આપનાર જિલ્લા તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું હતું એમ જણાવી કલેક્ટરએ પહાડથી લઈને સમુદ્ર સુધી ભારતવર્ષની રક્ષા કરનારા ત્રણેય સૈન્ય પાંખોના વીર જવાનોને ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ વેળાએ કલેક્ટર કચેરી ખાતે મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારી દિપક તિવારી, પુનર્વસન કચેરીના હેડ કલાર્ક જે.બી.ટાંક, કલ્યાણ વ્યવસ્થાપક ડી.એ.રાઠોડ, જુનિયર ક્લાર્ક ડી. એમ.ખેંગાર, ઠાકોરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત