સુરત શહેર-જિલ્લાની તમામ 16 બેઠકો પર ભગવો લહેરાયો, આપ-કોંગ્રેસ થયા ધરાશાયી : ભાજપાને પ્રચંડ જનસમર્થન

Uncategorized રાજકીય
Spread the love

સુરત,8 ડિસેમ્બર : સમગ્ર દેશ અને દુનિયાની જે પરિણામો પર નજર હતી તે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગુરુવારે આવી ગયા છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો પૈકી 156 બેઠકો પર ભવ્યાતિભવ્ય બેઠકો પર વિજય મેળવીને ભાજપાએ ઇતિહાસ રચી દીધો છે.રાજ્યમાં 156 બેઠક પર ભગવો લહેરાયો છે અને ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ રચાયો છે.રાજ્યની વિવિધ બેઠકો પૈકી સુરત શહેર અને જિલ્લાની 16 બેઠકો પર સમગ્ર દેશ અને દુનિયાની નજર હતી.કારણકે, રાજ્યની આર્થિક રાજધાની મનાતા સુરત શહેરમાં આમ આદમી પાર્ટીએ તેનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો અને પાસના અગ્રણી એવા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને આપ માંથી ટિકિટ આપી હતી.જયારે આપ ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તો જાહેરમાં મીડિયા સમક્ષ લેખિતમાં આ અગ્રણીઓ જ જીતશે તેવું કહ્યું હતું. જોકે, સમગ્ર શહેરમાંની 12 અને જિલ્લાની 4 મળીને તમામ 16 બેઠકો પર મતદારોએ ભાજપને ખોબલે ખોબલે મત આપીને ઐતિહાસિક વિજય આપાવ્યો હતો.જયારે પ્રજા સમક્ષ મોટા મોટા દાવાઓ કરનારી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સુરત શહેર-જિલ્લામાં સંપૂર્ણપણે ધરાશાયી થઇ છે અને આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાની કારમી હાર થઇ હતી. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાની એકમાત્ર વાંસદા બેઠક પર કોંગ્રેસ વિજયી થયું છે જયારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આપ અને કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે.
સુરત શહેર-જિલ્લાની જે 16 બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થયો છે. તેમાં, ઓલપાડ બેઠક પર મુકેશ પટેલ 1,15,136 મતોથી, માંગરોળ બેઠક પરથી ગણપત વસાવા 51,423 મતોથી, માંડવી ( એસટી ) બેઠક પરથી કુંવરજી હળપતિ 18109 મતોથી જયારે કામરેજ બેઠક પરથી પ્રફુલ્લ પાનસેરિયા 74697 મતોથી વિજયી થયા છે.સુરત પૂર્વ બેઠક પરથી અરવિંદ રાણા 14017 મતોથી, સુરત ઉત્તર બેઠક પરથી કાંતિ બલર 34293 મતોથી, જેના પર સૌથી વધુ નજર હતી તે વરાછા બેઠક પરથી કુમાર કાનાણી 16834 મતોથી વિજયી થયા છે.કરંજ બેઠક પરથી પ્રવીણ ઘોઘારી 35974 મતોથી, લીંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ 57970 મતોથી , ઉધના બેઠક પરથી મનુ પટેલ 69896 મતોથી, મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી 1,16,675 મતોથી વિજયી થયા છે.જયારે, કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયા 64627 મતોથી, સુરત પશ્ચિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી 1,04,312 મતોથી, ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈ 1,86,418 મતોથી વિજયી થયા છે.જયારે, બારડોલી ( એસસી ) બેઠક પરથી ઈશ્વર પરમાર 89948 મતોથી તેમજ મહુવા ( એસટી ) બેઠક પરથી મોહન ઢોડિયા 31508 મતોથી વિજયી થયા છે અને તેમની સામેના કોંગ્રેસ અને આપ ના ઉમેદવારો હારી ગયા છે. આ તમામ બેઠકો પૈકી માંડવી ( એસટી ) બેઠક પર વર્ષ 2017માં કોંગ્રેસનો વિજય થયો હતો.જયારે 15 બેઠક પર વર્ષ 2017માં ભાજપ વિજયી થયું હતું. 2022માં આ બેઠક પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લેતા 2022માં તમામ 16 બેઠકો પર સુરત શહેર-જિલ્લામાં કેસરિયો લહેરાયો છે અને આ પરિણામોથી કોંગ્રેસ અને આપ ના કેમ્પમાં હવે સન્નાટો છવાઈ ગયો છે. પ્રજાના પ્રચંડ જનસમર્થનથી આપ અને કોંગ્રેસની કારમી હાર થઇ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *