
સુરત, 8 ડિસેમ્બર : સમગ્ર દેશ અને દુનિયાની જે પરિણામો પર નજર હતી તે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગુરુવારે આવી ગયા છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો પૈકી 156 બેઠકો પર ભવ્યાતિભવ્ય બેઠકો પર વિજય મેળવીને ભાજપાએ ઇતિહાસ રચી દીધો છે.રાજ્યમાં 156 બેઠક પર ભગવો લહેરાયો છે અને ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ રચાયો છે. કદની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં મોટો વિસ્તાર ધરાવતી ચોર્યાસી બેઠક પરથી ભાજપાના લોકપ્રિય ઉમેદવાર સંદીપભાઈ દેસાઈનો 1,86,418 મતોની વિક્રમજનક લીડ સાથે ભવ્યાતિભવ્ય વિજય થયો છે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બાદ દેસાઈ લીડની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે રહ્યા છે અને વિક્રમજનક વિજય મેળવ્યો છે.સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ અને ભાજપાના જિલ્લા પ્રમુખ તરીકે તેમણે કરેલી કુશળ સંગઠનાત્મક કામગીરીનો નિચોડ તેમના આ જ્વલંત વિજયમાં દેખાઈ રહ્યો છે.રાજ્યમાં લીડની દ્રષ્ટિએ દ્વિતીય ક્રમે રહેલા દેસાઈની આ વિજય યાત્રાને રાજકીય વિશ્લેષકો જુદી રીતે મૂલવી રહ્યા છે અને આગામી દિવસોમાં તેઓને નવા રચાનારા મંત્રીમંડળમાં સ્થાન મળે તેવા પ્રબળ સંજોગો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ ભવ્યાતિભવ્ય જીત બાદ સંદીપભાઈ દેસાઈ અને તેમના સમર્થકો દ્વારા ગુરુવારે તેમજ શુક્રવારે સતત બે દિવસ સુધી આભાર દર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જેના માધ્યમથી દેસાઈ ફરી એક વાર તેમના મત વિસ્તારમાં મતદારોને મળી ભવ્ય જીત બદલ તેઓનો આભાર માનશે.

ચોર્યાસી બેઠક પર તેમની પસંદગી બાદ આ વિધાનસભા ક્ષેત્રમાં શરૂઆતના દિવસોમાં કાંઠા વિસ્તારના ગામડાઓમાં કોળી સમાજ નારાજ થશે અને તેમની વિરુદ્ધ મતદાન થાય તેવી સંભાવનાઓ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ, કુશળ સંગઠક અને સર્વે સમાજને લઈને ચાલનારા તેમજ ચોર્યાસીના ગ્રામ્ય વિસ્તારમાં લોકપ્રિય એવા સંદીપભાઈ દેસાઈએ આ તમામ જો અને તો વાળી સંભાવનાઓનો તેમના વીજળીક પ્રચાર કાર્ય દરમિયાન જ છેદ ઉડાડી દીધો હતો.તેમની આ ભવ્ય જીતનો શ્રેય મજબૂત ટિમ વર્ક, માઈક્રો બુથ પ્લાનિંગ અને મતદારો સાથેના વ્યક્તિગત સંપર્કને જાય છે. ઉમેદવાર તરીકે નામની ઘોષણા બાદ પ્રતિ દિન સવારથી રાત્રી સુધી જન સંપર્ક રેલીના કારણે તેમનું પ્રચાર કાર્ય ઝંઝાવાતી રહ્યું હતું.ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રમાં આવતા મનપાના વિવિધ વિસ્તારોના કોર્પોરેટરો, ગ્રામ્ય સ્તરના વિવિધ પદાધિકરીઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથેના સુમેળભર્યા સંબંધો એ સંદીપભાઈની ભવ્ય જીત પાછળ મહત્વનો ભાગ ભજવ્યો છે.

આ ભવ્ય જીત બાદ મીડિયાકર્મીઓને દેસાઈએ જણાવ્યું હતું કે આ જીતનો સમગ્ર શ્રેય હું લોકનાયક અને સમર્થ ભારતના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદી,અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ કઠોર પરિશ્રમ કરનારા પક્ષના કાર્યકર્તાઓને આપું છું અને આ સર્વેનો હું આભાર માનું છું તેમજ આગામી 5 વર્ષ હું સૌ મતદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા સતત પ્રયત્નશીલ રહીશ તેવી ખાતરી આપું છું.

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે સુરત શહેરની 12 અને જિલ્લાની 4 મળીને તમામ 16 બેઠકો પર મતદારોએ ભાજપને ખોબલે ખોબલે મત આપીને ઐતિહાસિક વિજય આપાવ્યો છે.જયારે પ્રજા સમક્ષ મોટા મોટા દાવાઓ કરનારી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સુરત શહેર-જિલ્લામાં સંપૂર્ણપણે ધરાશાયી થઇ છે અને આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાની કારમી હાર થઇ છે

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત