
સુરત, 21 ડિસેમ્બર : સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલ તેની અનેકવિધ વિશેષતાના કારણે ખુબ જ ટૂંકા સમયમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લોકોની સુંદર સારવાર માટે ઘણી જ પ્રસિદ્ધ બની ગઈ છે. આ મલ્ટીપલ સુવિધા યુક્ત હોસ્પિટલના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન 5.5 વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આગામી 15મી જાન્યુઆરી-2023ના રોજ આ હોસ્પિટલમાં નિર્માણાધીન ફેજ-2નું ઉદ્ઘાટન રક્તદાતાઓના વરદ હસ્તે કરવામાં આવશે.આ અંગેની જાણકારી આપવા કિરણ હોસ્પિટલમાં બુધવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં, હોસ્પિટલના ચેરમેન અને પદ્મશ્રી મથુર સવાણીએ પત્રકારો સમક્ષ વિસ્તૃત જાણકારી આપી હતી.

સવાણીએ જણાવ્યું હતું કે હોસ્પિટલની શરૂઆત થઇ ત્યારે કુલ 550 બેડની સુવિધા હતી.પાછલા 6 વર્ષોમાં 21 લાખથી વધુ દર્દીઓએ કિરણ હોસ્પિટલની સારવારનો લાભ લીધો છે.આ હોસ્પિટલની ઉત્તમ સારવારના કારણે હોસ્પિટલમાં વધુ બેડની સુવિધા વધારવાની જરૂરિયાત ઉભી થતા હવે તેમાં 350 નવા બેડનો વધારો કરી કુલ 900 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.કિરણ હોસ્પિટલ બ્લડ બેન્ક દ્વારા અમૂલ્ય રક્તનું દાન કરતા રક્તદાતાઓના માનમાં દક્ષિણ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વિના મુલ્યે બ્લડ આપવામાં આવે છે.આથી, આ માનવપ્રેમી રક્તદાતાઓને ધ્યાનમાં લઈને આગામી 22મી જાન્યુઆરી-2023ના રોજ રક્તદાતાઓના વરદ હસ્તે હોસ્પિટલના ફેજ-2નું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.2થી વધુ વખત રક્તદાન કરનારા રક્તદાતાઓ 15મી જાન્યુઆરી-2023 સુધી કિરણ હોસ્પિટલની વેબસાઈટ www.kiranhospital.com પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.સમગ્ર દક્ષિણ ગુજરાત કે રાજ્યના અન્ય ભાગમાંથી પણ કોઈ પણ રક્તદાતા રજીસ્ટેશન કરી શકે છે. આ રજીસ્ટ્રેશન થયેલા રક્તદાતાઓમાંથી ભાઈઓ અને બહેનોનો અલગ અલગ ડ્રો કરવામાં આવશે.જેમાંથી 3 ભાઈઓ અને 3 બહેનો મળીને કુલ 6 લોકોના નામ પસંદ કરવામાં આવશે અને તેમના હસ્તે હોસ્પિટલના ફેજ-2 નું ઉદ્ઘાટન કરવામાં આવશે.સુરતની ધરતી ઉપર કદી થયા નથી તેવા ઓપરેશન કિરણ હોસ્પિટલમાં થાય છે અને 43 વિભાગો જટીલ બીમારીની સારવાર કરવા સક્ષમ છે.અહીંથી પ્રતિ દિન હાલ 100 લોકોને વિના મુલ્યે બ્લડ આપવામાં આવે છે અને આગામી દિવસોમાં 300 બોટલ બ્લડ પણ વિના મુલ્યે આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે.લોકો વધુને વધુ રક્તદાન કરે તેવી અપીલ કરીએ છીએ.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત