
સુરત, 22 ડિસેમ્બર : ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘આયુષ્માન ભારત’ આરોગ્યલક્ષી યોજના અમલી છે,જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સુરત શહેરના રાંદેર સ્થિત સુલતાનિયા જિમખાના ખાતે રહેતા ફર્ઝાનાબાનુ શેખે ‘આયુષ્માન ભારત’ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.

‘સરકારે અમને સહાય કરી ન હોત તો આજે મારી માતા હયાત ન હોત’ આ લાગણીભીના શબ્દો સાથે ફર્ઝાનાબાનુના પુત્ર મહમદ રફીક શેખ જણાવે છે કે, મારો પરિવાર મધ્યવર્ગી પરિવાર છે. આલુપુરી બનાવીને પરિવારનું ગુજરાન ચલાવું છું. વર્ષ-2019માં મારા માતા ફર્ઝાનાબાનુ શેખને પેટમાં અસહ્ય પિંડા થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર આપ્યા બાદ તબીબોએ માતાની બંન્ને કીડની ખરાબ થઈ હોવાનું જણાવીને ડાયાલીસીસ કરવા કહ્યું. મારા મનમાં અનેક પ્રશ્નો થતા હતા કે, માતાનું અઠવાડિયામાં બે વાર ડાયલીસીસ કરાવી શકીશ કે નહિ. પરિવારનું ગુજરાન ચલાવી શકીશ કે નહી. પરંતુ જ્યારે કોઈ આફત આવે છે ત્યારે તેમાંથી બહાર નિકળવાનો રસ્તો પણ મળતો હોય છે.હોસ્પિટલના તબીબ દ્વારા આયુષ્યમાન ભારત યોજના વિશેની જાણકારી પ્રાપ્ત થઈ હતી. આ આયુષ્યમાન કાર્ડ દ્વારા હોસ્પિટલમાં વિનામુલ્યે ડાયાલીસીસ કરી આપવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. જેથી અમોએ આ કાર્ડ અગાઉ કઢાવ્યું હોવાથી હોસ્પિટલમાં અમે નિયમિત માતાનું વિના મુલ્યે ડાયાલીસીસ કરાવી રહ્યા છીએ. છેલ્લા બે વર્ષથી અઠવાડિયામાં બે વાર વિનામૂલ્યે માતાનું ડાયાલીસીસ રાંદેર સ્થિત શેલ્બી હોસ્પિટલ કરાવી રહ્યા હોવાનું તેઓ જણાવે છે. આયુષ્માન કાર્ડના પરિણામે મારૂ આર્થિક ભારણ ઓછું થયું છે. સરકારીની આ યોજના અમારા જેવા ગરીબ પરિવાર માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બની છે. જે બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત