
સુરત, 23 ડિસેમ્બર : આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે ઓલપાડ તાલુકાના કોબા ગામે બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને તેનું મૂલ્ય વર્ધન ઉપર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમમાં એરથાણ ગામના પ્રગતિશીલ ખેડુત મહેશ પટેલે બાગાયતી પાકોની ખેતીમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને વિવિધ પ્રકારના પ્રાકૃતિક ખાતર, દવા, વિગેરેની બનાવટ સહિત પોતાની ખેતીના જાત અનુભવ વિશે ખેડૂત મિત્રોને માહિતગાર કર્યા હતા.

કૃષિ યુનિવર્સિટીના કે.વી.કે.ના બાગાયત વૈજ્ઞાનિક કુ.ભક્તિ પંચાલે ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવા, બાગાયત પાકોની વૈજ્ઞાનિક ખેતી તેનું મૂલ્ય વર્ધન અને FPO વિશે માહિતગાર કર્યા હતા. બાગાયત અધિકારી પંકજ માલાવીયાએ ખેડૂતોને બાગાયત યોજના વિશે માહિતી આપીને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરીને વધુને વધુ ખેડુતો યોજનાઓના લાભ લેવાનો અનુરોધ કર્યો.

પરીક્ષિત ચૌધરીએ મહિલા લાભાર્થીને બાગાયત ખાતાની કેનીગ યોજના વિશે માહિતી આપીને આત્મ નિર્ભર થવાની હિમાયત કરી હતી. ખેડૂત મિત્રોને પાવર વિડર, બ્રશ કટર, વિવિધ પાવર નેપસેક સ્પ્રે પંપ જેવા સાધનોનું નિર્દેશન ગોઠવી સાધનો વિશે ઉપસ્થિત ડીલરો દ્વારા માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન ઓલપાડના બાગાયત અધિકારી નિરવ પટેલ, મનીષ રામાણી, કુ. ખ્યાતિ પટેલે કર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત