
સુરત, 23 ડિસેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, 23 ડિસેમ્બર, 2022ના રોજ સવારે 11:30 કલાકે પિડિયાટ્રિક હોલ, સંહતિ બિલ્ડીંગ, એસ.આઇ.ઇ.સી.સી. કેમ્પસ, સરસાણા ખાતે ‘બિઝનેસ એન્ડ બિયોન્ડ’વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઉપસ્થિત રહયા હતા. આ સેશનમાં નિષ્ણાત વકતા તરીકે યુકે સ્થિત કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં જજ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર કિશોર સેનગુપ્તાએ ઉદ્યોગકારોને બિઝનેસને સસ્ટેઇન કરવા માટે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, કોઇપણ સંસ્થા તથા બિઝનેસની સફળતા પાછળ તેમના કર્મચારીઓની ભૂમિકા મહત્વની હોય છે. સંસ્થામાં 100 કર્મચારીઓમાંથી 10 કર્મચારીઓ એવા હોય છે કે જેઓ 400 ટકા પર્ફોમન્સ કરતા હોય છે. આવા હાય પર્ફોમન્સ કર્મચારીઓને સંસ્થામાંથી જતા અટકાવવા જોઇએ. આવા કર્મચારીઓને મેનેજમેન્ટ દ્વારા સાંભળવા જોઇએ અને બિઝનેસના ડેવલપમેન્ટ માટે તેઓના પણ સૂચનો મેળવવા જોઇએ. આ કર્મચારીઓ ભવિષ્યમાં કઇ દિશામાં આગળ વધવા માગે છે અથવા કંપની માટે શું વેલ્યુ એડીશન કરવા માગે છે તે તપાસવાની જરૂર છે. બિઝનેસને આગળ ધપાવવા માટે નવા આઇડીયા શોધવા પડશે. જે આપણે ઇતિહાસ, ભૂગોળ, સમાજ શાસ્ત્ર, રાજ્ય શાસ્ત્ર, મ્યુઝીક પર મેળવી શકીએ છીએ. વર્તમાન યુગની જરૂરિયાત મુજબ સંસ્થા / બિઝનેસમાં ઇન્ટરનલ પર્સનલ કોમ્યુનિકેશન વધારવાની જરૂર છે. નવા સૂચનો આપનારા અને સવાલ પૂછનારા કર્મચારીઓને સંસ્થામાં લેવા જોઇએ. નવા વિચારો મેનેજમેન્ટ સમક્ષ મુકી શકે એવા કર્મચારીઓને ઓળખવા જોઇએ અને એમના પ્રતિ સહાનુભૂતિ દર્શાવવી જોઇએ.
પ્રોફેસર કિશોર સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કક્ષાએ કલાયમેટ ચેન્જ થઇ રહયું છે ત્યારે બિઝનેસને ટકાવી રાખવા માટે ઉદ્યોગકારોને નવા બિઝનેસ મોડયુલ અપનાવવા પડશે. બધા દેશોના એકબીજા સાથે લીગલ એગ્રીમેન્ટ થઇ રહયા છે ત્યારે ઉદ્યોગોએ પણ ગ્લોબલી માર્કેટ પ્રેશરને ધ્યાને લઇને ફાયનાન્શીયલ પ્લેટફોર્મ ઉભા કરવાની દિશામાં પ્રયાસ કરવો પડશે. વર્તમાન યુગમાં હવે મોટા ભાગની યુવા પેઢી ફેમિલી બિઝનેસમાં જવાને બદલે અન્ય બિઝનેસમાં ઝંપલાવવા માગે છે. દેશમાં થઇ રહેલી વિવિધ બિઝનેસ એકટીવિટીને કારણે કાર્બન ઉત્પન્ન થઇ રહયો છે, ત્યારે ઝીરો કાર્બન એકટીવિટી તરફ ધ્યાન આપવું પડશે.એક અભ્યાસ મુજબ ગ્લોબલી હવે કર્મચારીઓ પણ વહેલી તકે આગળ જવાની ઇચ્છા ધરાવી રહયા છે. આથી કર્મચારીઓ એક જ કંપનીમાં ટકી રહેવા માટે શું અપેક્ષા રાખી રહયાં છે ? તે સમજવું પડશે. તેઓની સાથે સોશિયલ કોન્ટ્રાકટ કરવાની દિશામાં ઉદ્યોગકારોએ વિચારવું પડશે. આજે એકજ સ્થળે નોકરી કરીને લોકોની જરૂરિયાત પૂર્ણ થતી નથી. આથી તેઓ હવે એકથી વધુ જગ્યાએ નોકરી કરી રહયા છે. ઘણા યુવાનો આ દિશામાં આગળ વધી રહયા છે. મુન લાઇટીંગ કલ્ચર વધી રહયું છે.કેટલાક લોકો જીવનમાં બેથી ત્રણ ક્ષેત્રે કારકિર્દી બનાવી રહયાં છે. એક ક્ષેત્રમાં દસ વર્ષ પ્રદાન આપ્યા બાદ તેઓ અન્ય ક્ષેત્રોમાં જઇ રહયા છે. લોયર્સ અને ડોકટર્સ જેવા પ્રોફેશનલ્સ પણ કેરીયર બદલી રહયાં છે. કંપનીમાં સ્કીલ્ડ અને પ્રોફેશનલ કર્મચારીઓને એકવાયર કરાશે તો તેઓની વેલ્યુ કરવી પડશે. કર્મચારીઓને રીસ્કેલીંગ અને ટ્રેઇનીંગ આપવી પડશે. બિઝનેસના ડેવલપમેન્ટ માટે કર્મચારીઓને ઇકવીટી શેર આપી શકાય તથા તેઓને પાર્ટનર પણ બનાવી શકાય તેમ છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સેશનમાં સર્વેને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ સેશનમાં ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી તથા ભૂતપૂર્વ પ્રમુખો પ્રફુલ શાહ, મહેન્દ્ર કાજીવાલા અને સી.એસ. જરીવાલા ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે સેશનનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત